ધરોઈ ડેમમાં પાણીની આંશિક છતાં સતત આવકને લઈ સપાટી છલોછલ થઈ

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ છલોછલ ભરાઈ જવા પામ્યો છે. ધરોઈ ડેમની મહત્તમ જળસપાટી ૬૨૨ ફુટ છે અને આ સપાટીએ જળસ્તર ગુરુવારે પહોંચ્યુ હતુ. આમ ઉત્તર ગુજરાતના ખેડૂતો સહિત શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને મોટી રાહત સર્જાઈ છે.

ધરોઈ ડેમથી ઉત્તર ગુજરાતના અનેક ખેડૂતોને સિંચાઈ માટે પાણી અને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના લોકોને પીવાનુ પાણી મળતુ હોય છે. આમ હવે ધરોઈ ડેમ સંપૂર્ણ સપાટીએ ભરાઈ જતા મોટી રાહત સર્જાઈ જવા પામી છે. હાલમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ નહીં હોવા છતાં પણ કેચમેન્ટ એરિયામાંથી સતત સાબરમતી નદીમાં આંશિક પાણીની આવક નોંધાઈ રહી હતી. જેને લઈ પોણો ફુટ બાકી રહેલી સપાટી પણ ભરાઈ જવા પામતા ડેમ સંપૂર્ણ છલોછલ થઈ ગયો હતો. ડેમમાં હાલમાં ૮૧૩.૧૪ MCM જેટલો જળજથ્થો સંગ્રહ થયો છે. આમ મોટી રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે.