ઈમ્પેક્ટ ફી ભરવાની પૂર્ણ થઈ રહેલી મુદતને ગુજરાત સરકારે છ મહિના લંબાવી

ગાંધીનગરઃ ગુજરાતમાં આમ પણ ભાજપ સરકાર બિલ્ડરોની પેરવી કરતી આવી છે. ભાજપ શાસનમાં ઈમ્પેક્ટ ફી એ સૌથી વધારે ચર્ચાનો મુદ્દો રહ્યો છે. શહેરોમાં ગેરકાયદે બાંધકામોની નવાઈ નથી પણ આ અનઅધિકૃત બાંધકામોને કાયદેસર કરવાની પણ ગુજરાત સરકાર તક આપી રહી છે.

ગુજરાતમાં ઈમ્પેક્ટ ફી મામલે મોટા સમાચાર આવ્યા છે. સરકારે ગેરકાયદે બાંધકામો કાયદેસર કરવાની વધુ એક તક આપી છે. હવે ઈમ્પેક્ટ ફી ભરવાની મુદત છ મહિના વધુ લંબાવવામાં આવી છે. પૂર્ણ થઈ રહેલી મુદતને જૂન ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે. આ ત્રીજી વાર ઈમ્પેક્ટ ફી ભરવાની મુદત સરકારે લંબાવી છે. મહત્વનું છે કે, રાજ્ય સરકારે ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ અમલમાં મુક્યો હતો. જેમાં ઈમ્પેક્ટ ફી ભરીને બાંધકામ રેગ્યુલરાઈઝ કરાવી શકાતું હતું. જો કે, નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ફરી એકવાર તેની મુદત વધારવામાં આવી છે. અત્યાર સુધીમાં દોઢ લાખ અરજીઓ છે. શહેરોમાં ગેરકાયદેસર બનેલી સોસાયટી, ફ્લેટ સહિતની મિલકતોમાં સામાન્ય જનતાએ પોતાની જિંદગીભરની મૂડી ખર્ચીને મકાન ખરીદ્યું હોય છે, પરંતુ ગેરકાયદેસર બાંધકામને લીધે લોકો વર્ષોથી ચિંતામાં રહેતા હતા. રાજ્ય સરકારે લોકોની આ જ ચિંતાને ધ્યાનમાં રાખીને આ અધિનિયમ લાવવા નક્કી કર્યું હતું. જેમાં એક કરતાં વધુ માલિક અથવા કબજા ધરાવનાર કિસ્સામાં તમામ માલિક અથવા કબજા ધરાવનાર વ્યક્તિએ સંયુક્ત રીતે અરજી કરવાની હોય છે. એક કરતાં વધુ માલિકી ધરાવતા કિસ્સામાં સત્તા અધિકારી યોગ્ય લાગે તેની તપાસ કર્યા બાદ ખાતરી આપે ત્યારબાદ જ અરજદારોની અરજી કરવા પરવાનગી આપી શકાશે.

ગુજરાતમાં ગેરકાયદે અને પરવાનગી વગરના બાંધકામોનો રાફડો ફાટ્યા બાદ સરકારે ઓક્ટોબર-૨૨માં કાયદામાં સુધારો કરી ઇમ્પેક્ટ ફી સ્વરૂપે દંડનીય રકમની વસુલાત કરી ગેરકાયદે બાંધકામોને કાયદેસરતા આપવા માટે નવો કાયદો બનાવ્યો હતો. બે દાયકામાં ત્રીજી વખત સવા વર્ષની મુદત પૂર્ણ થઈ ગયા બાદ ૧૭ ડિસેમ્બરથી ૬ મહિનાનું વધુ એક્સ્ટેન્શન જાહેર કર્યું છે જેને પગલે ગેરકાયદેસર બાંધકામ કરનાર વધુ મિલ્કતધારકોને લાભ મળી રહેનાર હોવાનું જાણવા મળ્યું હતું. અગાઉ આ બીલ ૨૦૦૧, ૨૦૧૧, ૨૦૧૩ અને હવે ૨૦૧૩માં લાવવામાં આવ્યુ છે. સન ૨૦૨૩નું વિધેયક ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિક કરવા બાબત સુધારા બીલ બહુમતીથી ગૃહમાં પસાર થયું હતું.

ગુજરાતના મોટાભાગના શહેરમાં જે ઠેકાણે રહેણાંક કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઊભું થયું હોય અને તેમાં નિયમ બહારનું કોઇ બાંધકામ હોય અને જેને તોડવામાં આવે તો અન્ય લોકોને નુકસાન થાય તો તેવા કિસ્સામાં ઇમ્પેક્ટ ફી ભરીને તે બાંધકામને નિયમિત કરી આપી શકાય છે. આ સ્કીમમાં મિલકતના જે-તે માલિકે નિયત કરેલી ફી ભરવાની હોય છે અને આ બાંધકામ નિયમિત છે તેવું સર્ટિફિકેટ લેવું પડે છે. આ ફીનું ધોરણ શહેર અને તેના વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય છે. સત્તાતંત્રના ચોક્કસ વેરીફિકેશન પછી ફી ભરવાની પરવાનગી આપવામાં આવે છે. રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ઇમ્પેક્ટ ફીના દરોમાં ઘણો મોટો તફાવત હોય છે.