મુંબઇમાં છેલ્લા ૨૪ કલાકમાં આગની ચોથી ઘટના, સિલિન્ડરો ફાટ્યા

મુંબઈના વર્સોવા વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. યારી રોડ પર આવેલા સિલિન્ડરના ગોડાઉનમાં ભયંકર આગ ફાટી નીકળવાના કારણે અનેક સિલિન્ડર બ્લાસ્ટ થઈ ચુક્યા છે. આ દુર્ઘટનામાં ૪ લોકોને ઈજાઓ પહોંચી છે અને તેમને સારવાર માટે કૂપર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની ૧૬ ગાડીઓ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

અગ્નિશામક દળના અહેવાલ પ્રમાણે ગોડાઉનમાં લેવલ-૨ની આગ લાગી છે અને હોનારતના વીડિયોમાં સિલિન્ડર બ્લાસ્ટ થવાના અવાજાે સાંભળી શકાય છે. બુધવારે સવારે ૧૦ઃ૧૦ કલાકે ગેસ સિલિન્ડર રાખવાના ગોડાઉનમાં આગ લાગી હતી જેથી આસપાસના વિસ્તારો ખાલી કરાવવામાં આવ્યા હતા.

આ ગોડાઉન રેસિડેન્સિયલ વિસ્તારમાં આવેલું હોવાથી આસપાસના રહીશોમાં ભારે ડર વ્યાપ્યો હતો. આ ઉપરાંત ગોડાઉનની બાજુમાં જ એક શાળા અને હોસ્પિટલ આવેલા છે. છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં આગ લાગવાની આ ચોથી ઘટના છે. અગાઉ માનખુર્દ વિસ્તારમાં લાગેલી લેવલ-૩ની આગને કાબુમાં લેવા આશરે ૨૦ કલાક જેટલો સમય લાગ્યો હતો. માનખુર્દ ખાતે આગને કાબુમાં લેતી વખતે ફાયર વિભાગનો એક કર્મચારી ઘાયલ થઈ ગયો હતો.