અમદાવાદના જુહાપુરામાં ૮ દુકાનોમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂમાં

શહેરમાં આગના બનાવોમાં વધી રહ્યા છે. ત્રણ દિવસ પહેલા ગોતા વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જ્યારે ફરી અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રવિવારે સવારે જુહાપુરાની ૮ દુકાનોમાં આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું કહેવાઇ રહ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ હોવાના સમાચાર નથી.

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. જુહાપુરામાં લાગેલી આ આગે જોતજોતામાં ૮ દુકાનોને પોતાની ચપેટમાં લઇ લીધી હતી. વહેલી સવારે લાગેલી આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણકારી મળતા ફાયરવિભાગની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગના બનાવના કારણે દુકાનોમાં રહેલો મોટાભાગનો સામાન બળીને ખાઇ થઇ ગયો છે. આગના સમાચાર વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં લોકો દોડીને ઘટનાસ્થળે આવી ગયા હતા. શહેરમાં શોર્ટ સર્કિટને કારણે અનેકવાર આગનાં બનાવ બનતા હોય છે. ત્રણ દિવસ પહેલા પણ, અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલા ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી હતી.

ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા શહેરના ગોતા વિસ્તારના શ્રીજી એસ્ટેટમાં આવેલા ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવામાં ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ આગ પણ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું સામે આવ્યું હતુ.