રાજ્યોમાં ઉત્તરાયણનો તહેવાર કેટલાક પરિવાર માટે માતમનો દિવસ બની ગયો, કુલ સાત લોકોના મોત

અમદાવાદઃ ઉત્તરાયણનું પર્વ અનેક લોકો માટે જીવલેણ સાબીત થયો છે. ઉત્તરાયણના તહેવારનો આ દિવસ કેટલાક પરિવાર માટે માતમનો દિવસ બની ગયો છે. ગુજરાતમાં પતંગની દારીના કારણે કુલ સાત લોકોના મોત થયા છે. દાહોદ, પંચમહાલ, ભાવનગર અને વલસાડમાં માસુમ બાળકોના ગયા જીવ ગયા છે, તો લીમડી અને રાજકોટમાં બે યુવકો પટકાતા મોતને ભેટ્યા છે. દાહોદના કંથોલીયામાં ૧૦ વર્ષીય બાળકે પતંગ લૂંટવાની લાલચમાં જીવ ખોયો છે. પતંગ લૂંટવા જતા વીજ કરંટથી બાળકનું મોત થયુ છે. વીજ વાયરમાં ફસાયેલો પતંગ ઉતારવા જતા ધોરણ ૫માં અભ્યાસ કરતા સિદ્ધાર્થ ડાંગીનું મોત થયુ છે.

વલસાડના ખાટકીવાડમાં પતંગ ચગાવતી વખતે દુર્ઘટના બની હતી. ટેરેસ ઉપર પતંગ ચગાવતી વખતે ૬ વર્ષનો બાળક નીચે પટકાયો હતો. ત્રીજા માળેથી નીચે પટકાતા બાળકનું મૃત્યુ થયુ હતુ. તો પંચમહાલમાં પતંગની દોરીને કારણે ૭ વર્ષીય બાળકનું ગળું કપાતા મોત થયુ છે. તરૂણ માછી નામના બાળકનું મૃત્યુ થયુ છે. મામાને ત્યાં ગયેલો બાળક ઘરે પરત ફરતો હતો ત્યારે આ ઘટના બની હતી. બાળકનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે. વડોદરામાં ચાઇનીઝ દોરીથી ગળું કપાતા યુવકનું મોત થયુ છે. વાઘોડિયા રોડ પાસે પરિવાર ચાર રસ્તા પર આ ઘટના બની હતી. ટુ-વ્હીલર પર જતા યુવકના ગળામાં દોરી ફસાઇ હતી. ચાઇનીઝ દોરીએ ૨૦ વર્ષીય અનિકેતનો ભોગ લીધો છે. તો રાજકોટમાં પણ ધાબા પરથી પડી જવાથી એક યુવકનું મોત થયું છે.

ઉત્તરાયણના ૪૫ દિવસ પહેલાથી જ આ કેર શરૂ થયો હતો. ખેડા જિલ્લાના માતરમાં ૨૫ નવેમ્બરે બાઈક ચાલક પસાર થઈ રહ્યો હતો અને તેના ગળામાં દોરી ભરાઈ, ૨૭ વર્ષના યુવકનો જીવ જતો રહ્યો. ૮ જાન્યુઆરીએ નડિયાદમાં દોરીએ ૨૫ વર્ષની યુવતીનો પણ ભોગ લીધો. યુવતી લોહી નીતરતી હાલતમાં ઘરે તો પહોંચી હતી, પરંતુ સારવાર મળે તે પહેલા જ મોત થઈ ગયું. આવી જ ઘટના ૧૧ જાન્યુઆરીએ પણ બની હતી. સુરતમાં ૨૨ વર્ષની યુવતી વરાછા બ્રિજ પરથી પસાર થઈ રહી હતી અને ત્યાં જ તેના ગળે દોરી આવીને વાગી. યુવકનું કરૂણ મોત થઈ ગયું હતુ. મકરસંક્રાતિ એટલે મજાનો ઉત્સવ પરંતુ પંતગ કપાઈ નહીં તે માટે જે મજબૂત દોરીનો ઉપયોગ થઈ રહ્યો છે તે મજા કોઈકના માટે સજા બની જાય છે. રાજ્યભરમાં ચાઈનીઝ દોરીઓના વેંચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે તેમ છતા અંદરખાને ચાઈનીઝ દોરીનું વેચાણ થતું હોય છે અને તેના પગલે જ ગળા કપાઈ જવાની ઘટના બની રહી છે.