ગ્રીસના જંગલોમાં લાગેલી ભીષણ આગને કારણે સર્જાયો વિનાશ, ન્યૂયોર્ક કરતા પણ છે મોટો વિસ્તાર બળીને થઈ ગયો ખાખ..

ગ્રીસના વિવિધ પ્રાંતોમાં આગ તબાહી મચાવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી જંગલની આગ લાગેલી છે. ગ્રીસના લોકો જંગલની આગ સામે લડી રહ્યા છે. ગયા અઠવાડિયે યુરોપની સૌથી ભયંકર આગમાં ઉત્તરપૂર્વના એવરોસ અને એલેક્ઝે પ્રદેશોમાં ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત થયા ગયા હતા. આગ ઓલવવા માટે વિમાનો અને હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. આગના કારણે તાપમાનમાં પણ વધારો થયો છે. તોફાની પવનો વચ્ચે ગ્રીસના લોકો જંગલની આગ સામે લડી રહ્યા છે.

આ દરમિયાન યુરોપિયન સંઘ સમર્થિત કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસે ૨૯ ઓગસ્ટ કહ્યું હતું કે ઉત્તરપૂર્વીય ગ્રીસમાં ૧૧ દિવસથી સળગતી જંગલમાં લાગેલી આગને કારણે ન્યૂયોર્ક સિટી કરતા મોટા વિસ્તારનો નાશ થયો છે. તૂફાની પવન અને ગરમ હવામાનને કારણે એલેક્ઝાન્ડ્રોપોલિસ શહેરની નજીકથી શરૂ થયેલી આગ ઝડપથી એવરોસ પ્રદેશમાં ફેલાઈ ગઈ. આગે લીલીછમ હરિયાળીને સળગેલી ધરતીમાં ફેરવી દીધી છે. આ સાથે જનજીવનને પણ અસર થઈ છે. લોકોના ઘર અને આજીવિકાને પણ માઠી અસર થઈ છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની એક પોસ્ટમાં કોપરનિકસ ઇમરજન્સી મેનેજમેન્ટ સર્વિસે નકશા દ્વારા દર્શાવ્યું હતું કે ભીષણ આગથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૮૦૮.૭ ચોરસ કિલોમીટર (૩૧૨.૨ ચોરસ માઈલ)નો વિસ્તાર નાશ પામ્યો છે.

કોપરનિકસ ઈસ્જીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે આ વિશાળ આગ ઘણા વર્ષોમાં યુરોપિયન ભૂમિ પરની સૌથી મોટી આગ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગમાં મોત પામેલા લોકોમાંથી એક સિવાયના તમામ લોકો અનિયમિત સ્થળાંતર કરનારા હતા, જેઓ પોલીસથી બચીને તુર્કી પાર કરીને જંગલમાં રહેતા હતા. આગ એટલી બધી તબાહી મચાવી રહી છે કે અધિકારીઓને આશંકા છે કે આગ ઓલવાઈ ગયા પછી વધુ મૃતદેહો મળી શકે છે. જંગલો, ઔદ્યોગિક કેન્દ્રો અને રજાના ઘરોને બચાવવાના પ્રયાસો વચ્ચે એથેન્સને દક્ષિણ શહેર કોરીન્થ સાથે જોડતા હાઈવે પર ઈવેક્યુએશન કામગીરી બુધવારે ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી. આ અભિયાનમાં પ્લેન અને હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે.