ઈલેક્ટ્રિક વાહનોમાં આગની ઘટના સામે કંપનીને દંડ ભરવો પડશે : નીતિન ગડકરી

તાજેતરમાં જિતેન્દ્ર ઈફ કંપનીના ૨૦ નવા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી હતી અને આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. અહેવાલો અનુસાર, આ સ્કૂટરો નાશિકની ફેક્ટરીમાંથી લેવામાં આવી રહ્યા હતા. કન્ટેનરમાં કુલ ૪૦ જિતેન્દ્ર ઇલેક્ટ્રિક સ્કૂટર હતા, જેમાંથી ૨૦ સ્કૂટરમાં આગ લાગી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. આ પહેલા પુણેના લોહેગાંવ વિસ્તારમાં ઓલા એસ૧ પ્રો ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી હતી.

વાયરલ થયેલી ૩૧ સેકન્ડની ક્લિપમાં, વ્યસ્ત કોમર્શિયલ વિસ્તારમાં રોડની બાજુમાં પાર્ક કરેલું એક સ્કૂટર સંપૂર્ણપણે બળી ગયું હતું. આ મુદ્દો હજુ તપાસ હેઠળ છે. એવું અનુમાન કરવામાં આવ્યું છે કે લિથિયમ-આયન બેટરીના નુકસાન અથવા શોર્ટ-સર્કિટને કારણે આવું થયું છે. લિથિયમ-આયન બેટરીમાં આગ ઓલવવી મુશ્કેલ છે. જ્યારે પાણીના સંપર્કમાં આવે છે, ત્યારે તે તરત જ હાઇડ્રોજન ગેસ અને લિથિયમ-હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન કરે છે. હાઇડ્રોજન ગેસ તેની ઉચ્ચ જ્વલનશીલતાને કારણે મોટી સમસ્યા છે.કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પણ કહ્યું છે કે, હાલમાં કંપનીઓએ તે તમામ ઇલેક્ટ્રિક વાહનોને પાછા ખેંચી લેવા જોઈએ જેમાં આવી ખામીઓ છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી એ દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનો માં આગ લાગવાની ઘટનાઓની ગંભીર નોંધ લીધી છે. ટ્‌વીટ કરતી વખતે, તેમણે આ ઘટનાઓને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને જો બેદરકારી જોવા મળે તો સંબંધિત કંપનીઓ પર ભારે દંડ લાદવાનું કહ્યું હતું. આ ઉપરાંત તેમણે એક નિષ્ણાત સમિતિની રચના કરવાની પણ જાહેરાત કરી છે, જે ઈલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓની માહિતી એકત્ર કરશે એટલું જ નહીં પરંતુ આ અકસ્માતોને રોકવા માટે જરૂરી સૂચનો પણ આપશે. આ કમિટી રિપોર્ટ તૈયાર કરશે, જેના આધારે ક્વોલિટી સેન્ટ્રીક ઈલેક્ટ્રિક વાહનોને લઈને ગાઈડલાઈન આપવામાં આવશે.