આગામી દિવસોમાં ઠંડી હજી આકરી બનવાની કરાઈ આગાહી

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડી હજી આકરી બની શકે છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આકરી ઠંડીની આગાહી કરવામાં આવી છે. ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. રાજ્યમાં આગામી બે દિવસ ઠંડા પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે પાંચ દિવસની કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ફરી એકવાર કકડતી ઠંડીનો અહેસાસ વર્તાઈ રહ્યો છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. નલિયામાં સૌથી ઓછુ ૩ ડિગ્રી તાપમાન, અમદાવાદમાં ૧૦ ડિગ્રી તાપમાન અને ગાંધીનગરમાં ૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ રાજ્યમાં ભારે કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે. તેમાં પણ કચ્છ- સૌરાષ્ટ્ર, પોરબંદર, ભાવનગરમાં ઠંડા પવનો ફૂંકાશે.

જેથી આગામી ૫ દિવસ હજુ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં કડકડતી ઠંડી પડી શકે છે. રાજ્યના ૮ શહેરોમાં બે આંકડાથી નીચે તાપમાન નોંધાયું છે. એક જ દિવસમાં નલિયા અને પોરબંદરમાં સામાન્ય કરતા ૬ ડિગ્રી જેટલું તાપમાન નીચે ગગડ્યું છે. અમદાવાદમાં પણ આગામી દિવસમાં ૯થી ૧૦ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે.