અમરેલી શહેર સવારે ઠંડીના લીધે ધુમ્મસભર્યું બન્યું

અમરેલી જિલ્લામાં  છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે લોકો ઠુંઠવાયા છે. તેની વચ્ચે આજે ગુરૂવારે અમરેલી જિલ્લામાં વહેલી સવારે અમરેલી શહેર અને ધારી સહિત મોટાભાગના વિસ્તારમાં ધુમ્મસની ચાદર છવાઈ હતી. અહીં વહેલી સવારે અમરેલી શહેરમાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.

જો કે વાહન ચાલકો ઝીરો વિઝિબિલિટીથી પરેશાન થયા હતા. ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વાહન ચાલકોને મુશ્કેલી ઉભી થઈ હતી. જેના કારણે કેટલાક કલાકો માટે અવર જવર પણ ઘટી હતી. અમરેલી શહેરમાં વહેલી સવારે કડકડતી ઠંડી વચ્ચે લોકો મોર્નિંગ વોક પર નીકળે છે. પરંતુ આ ઠંડી વચ્ચે ધુમ્મસનું પ્રમાણ એટલું બધું વધી ગયું હતું, જેના કારણે મોર્નિંગ વોકમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તેમજ ગણ્યા ગાંઠ્‌યા લોકો રસ્તાઓ પર જોવા મળ્યા હતા.