ધ્રોલમાં ક્ષત્રિયોના ઈતિહાસની શૌર્યકથા યોજાશે

ધ્રોલના ભુચરમોરી મેદાનમાં અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા દેશમાં પ્રથમ વખત ૨૫થી ૩૧ ડિસેમ્બર સુધી રોજ સવારે ૯.૩૦થી ૧૧ વાગ્યા દરમિયાન ક્ષત્રિયોનો ઇતિહાસ રજુ કરતી શૌર્યકથા યોજાશે. આ શૌર્યકથાથી નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન કરવાનો ગુજરાતનો પ્રથમ પ્રયાસ થઈ રહ્યો છે. જેમાં શૌર્યકથાના પ્રારંભના દિવસે ૨૫ ડિસેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુલ રીતે કાર્યક્રમને સંબોધશે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મહેન્દ્ર મંજુપરા, પ્રદીપસિંહ વાઘેલા, કીર્તિસિંહ વાઘેલા, રાઘવજી પટેલ અને કિરીટસિહ રાણા તેમજ ૩૧ ડિસેમ્બરના રોજ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજરી આપશે.

શૌર્યકથામાં રાજપુત સમાજમાં નવચેતન માટે કાર્યરત ડો.જયેન્દ્રસિંહ જાડેજા વીરગાથા રજુ કરશે અને દરરોજ વિવિધ કલાકારો દ્વારા અવનવા કાર્યક્રમો રજૂ કરાશે. ૨૯ ડિસેમ્બરના રોજ બપોરે ભુચરમોરી મેદાનમાં અશ્વદોડ સ્પર્ધા યોજાશે અને ૩૧ ડિસેમ્બરે સવારે યુવા જાગૃતિ દિવસ નિમિતે યુવાધન વ્યસનમુક્તિના શપથ લેશે. શૌર્યકથાના આરંભ પૂર્વે ૨૪ ડિસેમ્બરના રોજ સવારે ૧૦ વાગ્યે પૂર્વજાેને શ્રદ્ધાંજલિ આપવા પણ કાર્યક્રમનું આયોજન કરાયું છે. ૩૧ ડિસેમ્બરના સવારે ૯.૩૦થી ૧.૩૦ વાગ્યા સુધી ભૂચરમોરી શહીદ સ્મારક, ધ્રોલમાં યુવા જાગૃતિ દિવસની ઉજવણી કરાશે.