યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા વાયુસેના મદદ કરશે

ભારતીય વાયુસેના મંગળવારથી ભારતીયોને બહાર કાઢવા માટે અનેક C-૧૭ એરક્રાફ્ટ તૈનાત કરી શકે છે. લોકોને બહાર કાઢવાની સાથે IAF એરક્રાફ્ટ માનવતાવાદી સહાયને વધુ અસરકારક રીતે પહોંચાડવામાં પણ મદદ કરશે. અત્યાર સુધી માત્ર ખાનગી ભારતીય કેરિયર્સ રોમાનિયા અને હંગેરીમાંથી ભારતીયોને બહાર કાઢી રહ્યા હતા. કારણ કે યુક્રેનિયન એરસ્પેસ ૨૪ ફેબ્રુઆરીથી બંધ છે. યુક્રેનિયન એરસ્પેસ બંધ કર્યા પછી ભારતે ૨૬ ફેબ્રુઆરીએ યુક્રેનના પડોશી દેશોમાંથી ફસાયેલા તેના લગભગ ૧૪,૦૦૦ નાગરિકોને બહાર કાઢવા માટે એક ઓપરેશન શરૂ કર્યું.

આ પહેલા કેન્દ્ર સરકારે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીયોને પરત લાવવા માટે ચાર કેન્દ્રીય મંત્રીઓને યુદ્ધગ્રસ્ત દેશના પડોશી દેશોમાં મોકલવાનો ર્નિણય લીધો હતો. સરકારે સોમવારે કેન્દ્રીય મંત્રીઓ હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, જનરલ (નિવૃત્ત) વી.કે. સિંહ અને કિરેન રિજિજુને યુક્રેનના પડોશી દેશો હંગેરી, રોમાનિયા-મોલ્ડોવા, પોલેન્ડ અને સ્લોવાકિયા મોકલવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. દરમિયાન, વિદેશ મંત્રાલયે કહ્યું કે છેલ્લા ૧૫ દિવસમાં અત્યાર સુધીમાં ૮૦૦૦ ભારતીયો યુક્રેનથી પરત ફર્યા છે.

મોદીએ ચાર મંત્રીઓ સાથે અંગત રીતે વાત કરી અને તેમને ર્નિણયની જાણકારી આપી. સરકારી સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ અને વીકે સિંહ ભારતના વિશેષ દૂત તરીકે યુક્રેનના પડોશી દેશોની મુલાકાત લેશે. તેમણે કહ્યું કે સિંધિયા ભારતીયોને યુક્રેનમાં બહાર કાઢવાના ઓપરેશન માટે રોમાનિયા અને મોલ્ડોવા સાથે સંકલનનું કામ સંભાળશે. જ્યારે રિજિજુ સ્લોવાકિયા જશે. સૂત્રોએ જણાવ્યું કે પુરી હંગેરી જશે અને સિંહ પોલેન્ડ જશે અને ભારતીયોને બહાર કાઢવાની વ્યવસ્થા કરશે.

યુક્રેનમાં વણસી રહેલી પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બચાવવા માટે મોટો ર્નિણય લીધો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સરકારે ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનથી ચાલી રહેલા ઈવેક્યુએશન ઓપરેશનમાં ભારતીય વાયુસેનાને પણ સામેલ કરવાનો ર્નિણય લીધો છે. સૂત્રોએ જણાવ્યું કે પીએમ મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે એરફોર્સને આ ઓપરેશનમાં સામેલ થવા કહ્યું છે.