ગીર સોમનાથના કાજલી ખાતે યોજાયો તાલુકા કક્ષાનો મિલેટ્‌સ મહોત્સવ યોજાયો

ગીરસોમનાથઃ મિલેટ્‌સ કે બરછટ અનાજમાં રહેલા પોષકતત્વો યુક્ત ખોરાક. ઉચ્ચ માત્રામાં એન્ટી ઓક્સીડન્ટ, પ્રોટીન, વિટામીન, ફાઈબર તેમજ ખનિજ તત્વો વગેરે સંપૂર્ણ માત્રામાં હોય એવા પોષક બરછટ અનાજને મિલેટ્‌સ તરીકે ઓળખવામાં આવે છે. મિલેટ્‌સના સ્વાસ્થ્યને લઈ વિવિધ ફાયદાઓ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભ આશયથી કાજલી એપીએમસી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને વેરાવળ તાલુકા કક્ષાનો મિલેટ મહોત્સવનું આયોજન કરાયું હતું. સૌ પ્રથમ જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.જી. લાલવાણીએ મંચસ્થ તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યુ જે બાદ મિલેટ્‌સ બૂકે દ્વારા મહેમાનોને આવકારવામાં આવ્યા હતાં..

આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ખેડૂત મિત્રોને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, કિડની, લો બ્લડ પ્રેશર, વગેરે શારીરિક રોગ સામે મિલેટ્‌સ પાકોનું મહત્વ સમજાવાયું હતું. તેમજ તમામ ખેડૂત મિત્રોએ વિવિધ સ્ટોલમાંથી મિલેટ્‌સ પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી મેળવી હતી. આ તકે મહેમાન તરીકે પધારેલ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મૂછાર, જિલ્લા કલેક્ટર એચ.કે. વઢવાણિયા તેમજ જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિત અગ્રણી માનસિંહભાઈ પરમાર અને આગેવાનોએ મિલેટ સ્પર્ધા અંતર્ગત તૈયાર કરેલ બાજરીના પિત્ઝા, બાજરીના વડા, સામાની ખીચડી સહિતની વાનગીઓના સ્ટોલ સહિત પ્રાકૃતિક કૃષિ અંગે માહિતી આપતા વિવિધ સ્ટોલની મુલાકાત લઈ ઉત્સાહ વધાર્યો હતો..

ખાસ કરીને પ્રગતિશીલ ખેડૂતો અને મિલેટ્‌સ સ્પર્ધામાં વિજેતા આંગણવાડી બહેનોને ઇનામ તથા પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરાયું હતું અને મિલેટ્‌સ મહોત્સવમાં ઉપસ્થિત તમામ ખેડૂતોને નાયબ ખેતી નિયામક ધીરજલાલ ગઢિયા દ્વારા બાજરી, કોદરા, સામો, રાગી, કાંગ વગેરે મિલેટ પાકોમાં નેનો યુરિયાના ઉપયોગ વિષે તેમજ દૈનિક ખોરાકમાં મિલેટ્‌સની વિવિધ વાનગીઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તકે, આંગણવાડીની બહેનો દ્વારા બાજરીના પિત્ઝા, મકાઈની ઈડલી, બાજરીની ખીચડી, બાજરાના ચમચમિયા, બાજરીના વડા, સામાની ખીચડી જેવા પૌષ્ટિક મિલેટ્‌સ વાનગીઓનું પ્રદર્શન પણ યોજાયું હતું. આ કાર્યક્રમમાં નાયબ ખેતી નિયામક, મદદનીશ ખેતી નિયામક, વિસ્તરણ અધિકારી, આત્મા વિભાગનો સ્ટાફ, બિયારણ કંપની તથા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, ખેતીવાડી શાખા, ખેડૂત ઉત્પાદન સંગઠન, બાગાયત શાખા, ખેડૂત ભાઈ-બહેનો, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સભ્યો અને આંગણવાડી કાર્યકર બહેનો પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતાં.