રાજ્યના ઉદ્યોગ અને શ્રમ-રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતે વલસાડના લીલાપોર સ્થિત મહિલા આઇટીઆઈની મુલાકાત લીધી
આજે ટેકનોલોજીનો જમાનો છે, આપણે ડિજિટલ તરફ વળીશું તો ઝડપભેર નોકરી મળી જશે: મંત્રી બલવંતસિંહ રાજપુત
- ઘર બેઠા રોજગારી મળી શકે તે માટે દીકરીઓને ડ્રોનનો કોર્સ શીખવા માટે મંત્રી બલવંતસિહ રાજપુતે પ્રોત્સાહિત કરી
વિદ્યાર્થીઓ એ બનાવેલા વિવિધ પ્રોજેક્ટનું પણ મંત્રી બલવંતસિહ રાજપુતેએ નિરીક્ષણ કરી તેઓની આવડતને બિરદાવી
વલસાડઃ રાજ્યના ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન અને શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતે તા. ૧૪ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ગુરૂવારે વલસાડ સવારે ૧૦ કલાકે વલસાડની ઔરંગા નદી પાસે લીલાપોર સ્થિત મહિલા આઈ.ટી.આઈ.ની મુલાકાત લીધી હતી.
મંત્રી બલવંતસિહ રાજપુતે લીલાપોર સ્થિત મહિલા આઈટીઆઈના ઇલેક્ટ્રીશિયન ટ્રેડની મુલાકાત લઈ તાલીમાર્થી વિદ્યાર્થીઓ સાથે આત્મીય વાર્તાલાપ કરી ભણવાની મજા આવે છે ને પ્રશ્ન કરી અહીં કેટલા ટ્રેડ ચાલે છે, કેટલા વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે અને કુલ કેટલો સ્ટાફ ફરજ બજાવે છે તેની પ્રાથમિક માહિતી મેળવી હતી. આ સાથે જ તેમણે એડિટિંગ, મેન્યુફેક્ચરિંગ અને ટેક્નિશિયન (થ્રિડી પ્રિન્ટિંગ), કોસ્મેટોલોજી, વેલ્ડર અને ફિટર ટ્રેડની મુલાકાત લઈ તાલીમાર્થીઓ સાથે પ્રેરક સંવાદ કર્યો હતો, જેમાં તેમણે દીકરીઓને ડ્રોનનો કોર્સ શીખવા માટે પ્રોત્સાહિત કરી હતી. જેથી ઘર બેઠા રોજગારી મળી શકે.
આ સાથે જ, રાજ્ય અને કેન્દ્ર સરકારની રોજગારલક્ષી અનેકવિધ યોજનાઓનો લાભ લેવા મંત્રી બલવંતસિહ રાજપુતે તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓ એ બનાવેલા વિવિધ પ્રોજેક્ટનું પણ નિરીક્ષણ કરી તેઓની આવડતને મંત્રી બલવંતસિહ રાજપુતે બિરદાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
વિદ્યાર્થીઓને મંત્રી બલવંતસિહ રાજપુતે જણાવ્યું કે, આજે ટેકનોલોજીનો જમાનો છે. આપણે ડિજિટલ તરફ વળીશું તો ઝડપભેર નોકરી મળી જશે. જમાના સાથે ટ્રેડમાં પણ બદલાવ લાવવો જરૂરી છે.
મંત્રી બલવંતસિહ રાજપુતે આચાર્ય જે.ટી.પટેલ તેમજ ઇન્સ્ટ્રકટરો સાથે વાતચીત કરી તેમને મહત્વના સૂચનો કરતા જણાવ્યું કે, આઈટીઆઈમાં તમામ જગ્યા ભરાઈ તે માટે ક્યાં કોર્સની ડિમાન્ડ છે તે માટે માહિતી મેળવી સ્કીલબેઝ તાલીમાર્થીઓ તૈયાર કરવા જોઈએ. ભારત યુવા દેશ છે. યુવાધન ઘણું છે તેમની સ્કીલનો વધુમાં વધુ ઉપયોગ થઈ શકે તે માટે ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી તેઓની જરૂરિયાત મુજબ નવા ટ્રેડ શરૂ કરવાથી અનેક યુવાનોને રોજગાર મળશે.
આ મુલાકાત વેળા વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










