ZLDના નામે સાબરમતીમાં પ્રદુષણ ફેલાવતા સુએજ ફાર્મ અને બહેરામપુરા સ્થિત ટેક્સટાઇલ એકમોના કારણે સાબરમતી નદીને ક્યારેય ભરપાઈ ન થઇ શકે તેવું નુક્શાન થવાની ભિતી

બહેરામપુરા અને દાણીલિમડામાં 672 ટેક્સટાઇલ પ્રોસેસિંગ એકમોમાંથી નીકળતા વેસ્ટ દ્વારા સાબરમતી નદીને પ્રદુષિત કરવા બાબતે પિટીશન દાખલ કરવામાં આવી છે, નામદાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં સુનાવણી હાથ ધરાઈ


અમદાવાદઃ બહેરામપુરા અને દાણીલિમડામાં 672 ટેક્સટાઇલ પ્રોસેસિંગ એકમોમાંથી નીકળતા વેસ્ટ દ્વારા સાબરમતી નદીને પ્રદુષિત કરવા બાબતે પિટીશન દાખલ કરવામાં આવી છે. આ સુનાવણી દરમિયાન અરજદાર આદિત્યસિંહ ચૌહાણ તરફથી, વિદ્વાન વકીલ શ્રી એ.કે. સિંહ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા દાખલ કરાયેલા અહેવાલ સામે વાંધો વ્યક્ત કરતાં શ્રી એ.કે. સિંહે જણાવ્યું હતું કે જીપીસીબી પ્રદૂષિત ઉદ્યોગોને ચાલુ રાખવા માટે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD)ની સ્થિતિમાં ZLD પરવાનગીઓમાં સુધારાની હિમાયત કરે છે. તેમણે સંયુક્ત સમિતિના અહેવાલ સામે તા.10.10.2023ના રોજ વિગતવાર વાંધો દાખલ કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં 672 ઉદ્યોગો છે, જેઓ CETP, અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિએશન (AHSPA)ના સભ્યો છે, પરંતુ અહેવાલ માત્ર 55 ઉદ્યોગોને લગતો છે અને તે વિસ્તારના કુલ ZLD એકમો આશરે 200થી વધુ છે. જુલાઈ 2023ના મહિનામાં ડ્રેનેજ પાઈપલાઈન કનેક્શન સબમિટ ન કરવા પર GPCB દ્વારા આપવામાં આવેલી નોટિસની સંખ્યા પરથી આ વિસ્તારમાં ZLD પરવાનગી ધરાવતા ઉદ્યોગોની સંખ્યા ચકાસી શકાય છે. એક પણ એકમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તરફથી કોઈ ડ્રેનેજ પાઈપલાઈન કનેક્શન નથી તેવું કોઈપણ પ્રમાણપત્ર રજૂ કર્યું નથી અને આ ઉદ્યોગો સાબરમતી નદીમાં ઔદ્યોગિક ગંદકીનો સતત નિકાલ કરે છે, એકમો ZLD મંજૂરીમાં નિર્ધારિત શરતોનું પાલન કરતા નથી. GPCB દ્વારા કોઈ ક્લોઝર ઓર્ડર પસાર કરવામાં આવી રહ્યા નથી.

શ્રી આશિષ એચ. શાહ, પ્રતિવાદી ASHPAના વિદ્વાન વકીલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું છે કે તેમણે સુઓમોટુ રિટ પિટિશન (PIL) અને તેમાં માનનીય હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશોની નકલો મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે મેળવવામાં લગભગ એક અઠવાડિયાનો સમય લાગશે. અમે તેની નકલો મેળવવા માટે અને તેને આ ટ્રિબ્યુનલ સમક્ષ રેકોર્ડ પર મૂકવા માટે દસ દિવસનો સમય ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવ્યો.

આ બાબતને આગામી વિચારણા માટે તારીખ 25.01.2024ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

*File Photo