ઝઘડિયા જીઆઇડીસી સ્થિત ડીસીએમ શ્રીરામ કેમિકલ્સ દ્વારા ઝઘડિયામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઇ
ઉત્તરાયણ નિમિત્તે ખાસ બાઇક સવારોને જાગૃતિ અને સુરક્ષા માટે બાઇક પર ગાર્ડ લગાવાયા
ઝઘડિયા: ઝઘડિયા જીઆઇડીસી માં આવેલી ડીસીએમ શ્રીરામ લિમિટેડ દ્વારા આજ રોજ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. માર્ગ સલામતી સપ્તાહ અભિયાનમાં ઝઘડિયાના પોલીસ ઇન્સ્પેક્ટર કે. એલ. લાકોડ તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન ડીસીએમના મેનેજમેન્ટ અધિકારીઓ નિલેશ ભારતી, રાજેન્દ્ર પુવાર, સંદિપ વરીઆ વગેરે ધ્વારા દ્વિચક્રી વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવી આપ્યા હતા. તદ્દઉપરાંત વાહન ચાલકોને ટ્રાફિક અંગેની જાણકારી આપવામાં આવી હતી.

ખાસ કરીને ઉત્તરાયણના તહેવારમાં પતંગની દોરી થી બાઇક સવારોને થતી ઇજાઓ રોકવા માટે તેમાંથી રક્ષણ મેળવવા બાઇક ઉપર સેફ્ટી ગાર્ડ લગાવાયા હતા. આ સાથે પી.આઈ. લાકોડે બાઇક સવારોને હેલ્મેટ પહેરવા માટે પ્રોત્સાહિત કરવા પ્રતીકાત્મક ‘કી-ચેન’ નું પણ વિતરણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ડીસીએમ કંપની અવાર-નવાર સીએસઆર હેઠળ સમાજલક્ષી કાર્યક્રમો કરવા તત્પર રહે છે. ડીસીએમ કંપની દ્વારા નજીકના વિસ્તારોમાં વિવિધ સમાજઉપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.










