રાજકોટની આરટીઓ મધરાતે શોર્ટ સર્કિટથી આગ, લાખોનું નુકસાન, જૂના રેકોર્ડ બળીને રાખ

રાજકોટની આરટીઓ મધરાતે શોર્ટ સર્કિટથી આગ લાગ્યાની ઘટના સામે આવી છે. જેને પગલે ફાયર બ્રિગ્રેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.આગજનીના આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. ફાયર બ્રિગ્રેડની ટીમ દ્વારા અઢીથી ત્રણ કલાકની જહેતમ બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં અનેક દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા. અને લાખોનું નુકસાન થવા પામ્યું હતું. જેને પગલે આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવ ટેસ્ટીંગ સહિતની તમામ કામગીરી બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મધરાત્રે રાજકોટની આરટીઓ કચેરીમાં મધરાત્રે આરટીઓ કચેરીના નંબર પ્લેટ વિભાગમાં આગ લાગી હતી, ફાયર બ્રિગેડની ટીમે દોડી જઇ સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગે પળવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જેથી દૂર-દૂર સુધી આગના લબકારા દેખાતા લોકોના ટોળાં ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા. નોંધનીય છે કે મોડી રાત્રે આગ લાગ્યાના બનાવથી લેપટોપ, કોમ્પ્યુટર, પ્રિન્ટર જેવી વસ્તુઓ બળી ગઇ છે, વીજ પુરવઠામાં વિક્ષેપ પડયો છે, જે સ્થિતિને ધ્યાને લઇ વાહન લાયસન્સ, વાહન રજિસ્ટ્રેશન, નંબર પ્લેટ, એડ્રેસ ચેન્જ, વાહન ટ્રાન્સફરને લગતી તમામ મહત્વની કામગીરી આજે બંધ રાખવામાં આવી છે.

નોંધનીય છે કે આજથી ૪ મહિના પહેલા ગોંડલમાં બાઈકના શો-રૂમમાં રાત્રિના અચાનક આગ ભભૂકી ઊઠી હતી. મોડી રાત્રીના દુકાનમાંથી ધુમાડા નિકળતા હતા. જેને પગલે ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આ ભીષણ આગમાં ૭ બાઈક બળીને ખાખ થઈ જતા મોટું નુકસાન થયું હતું. રાજકોટમાં ૨ મહિના પૂર્વે પણ રાજકોટની સોની બજારમાં ભીષણ આગ લાગ્યાના દૃશ્યો સર્જાયા હતા. જ્યાં પરમેશ્વરી હબ નામના બિલ્ડીંગમાં વિકરાળ આગ લાગી હતી. જેને પગલે સ્થાનિકોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આગજનીનો બનાવ સામે આવતાની સાથે જ તાત્કાલિક અસરથી રાજકોટ મનપાનો ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો. તો સાથો સાથ તાત્કાલિક અસરથી સ્થાનિક પોલીસ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગને કાબૂમાં લેવામાં આવી હતી