પીએમ ૨.૫નો સ્તર ૫૦૦ને પાર, શ્વાસ લેવામાં લોકોને પડી મુશ્કેલી ફટાકડા પર પ્રતિબંધ છતાં દિલ્હીની હવામાં ભળ્યું ઝેર

પ્રતિબંધ છતાં દિવાળી પર દિલ્હી એનસીઆરમાં લોકોએ ખૂબ ફટાકડા ફોડ્યા હતા, જેને કારણે દિલ્હી-એનસીઆરમાં વાયુ ગુણવત્તામાં ભારે ઘટાડો થયો હતો. પીએમ ૨.૫નો સરેરાશ સ્તર ૪૫૦થી ઉપર જતો રહ્યો હતો. એનાથી દિલ્હી અને એની આસપાસના વિસ્તારોમાં કેટલીય જગ્યાએ પ્રદૂષણનો સ્તર ગંભીર શ્રેણીમાં જતો રહ્યો હતો. દિલ્હીના સોનિયા વિહારમાં પીએમ ૨.૫નો સ્તર ૫૦૦ની પાર કરી ગયો હતો. પ્રદૂષણને કારણે દિવાળીની પછી સવારે દિલ્હીમાં ગાઢું ધુમ્મસ છવાયેલું રહ્યું અને વિઝિબિલિટી ૨૦૦-૩૦૦ મીટરની આસપાસ રહી.

વળી, પડોશી રાજ્યોમાં પરાળી સળગાવવાને કારણે દિલ્હીમાં પ્રદૂષણનો સ્તર ખૂબ વધી ગયો હતો. પરાળીનું યોગદાન ૩૨ ટકા રહ્યું હતું. એની સાથે હવાની ગતિ ધીમી હોવાને કારણે સ્થિતિ વધુ ખરાબ રહી હતી, કેમ કે આવી સ્થિતિમાં પ્રદૂષણના કણ જમા થાય છે.

દિવાળીની રાતે દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં વાયુ ગુણવત્તા પીએમ ૨.૫નો સ્તર ૪૮૧, અશોક વિહારમાં ૪૯૧, GI એરપોર્ટ વિસ્તારમાં ૪૪૪, ITમાં ૪૫૭ અને લોધી રોડ ક્ષેત્રમાં ૪૧૪ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જે બધા ગંભીર શ્રેણીમાં આવે છે. દિલ્હીના મોટા ભાગના વિસ્તારમાં પીએમ ૨.૫નો સ્તર ૪૦૦થી ઉપર રહ્યો હતો.