કચ્છના ૨૨ ગામોના લોકો કૂવાના પાણી પીવા મજબૂર બન્યા

કચ્છના બન્નીમાં પાણીની સમસ્યા હજુપણ યથાવત રહી છે અને ભીરંડિયારાથી હોડકો વચ્ચે બન્ની પાણી યોજના હેઠળની પાઇપલાઇનમાંથી લાંબા સમયથી મોટાપાયે પાણી ચોરીના કારણે આ પાઇપલાઇનના પાણી પર જ ર્નિભર હોડકો બાદના ૨૨ ગામોમાં પૂરતું પાણી મળતું નથી, જેના કારણે માલધારીઓ શોખ ખાતર નહીં પરંતુ દર વર્ષે નાછૂટકે નેસ (કુવા)ના પાણી પીવા મજબૂર બન્યા છે.

તંત્ર દ્વારા બન્નીમાં યોગ્ય સરવે હાથ ધરીને જરૂરિયાત મુજબ પાણી અપાતું નથી, જેના પગલે પાણીની ચોરી થતી હોય છે અને આ મુદ્દે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરાઇ હોવા છતાં પાણીનો પ્રશ્ન હજુ સુધી હલ થયો નથી. ઢોરોના યાકુબ મુતવાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, શિયાળામાં માંડ પાણીની ખપત પૂરી થતી હોય છે અને ઉનાળામાં તો આ સમસ્યા વધુ વિકટ બને છે.

બન્ની વિસ્તારમાં મોટાભાગના લોકોનો વ્યવસાય પશુપાલન છે અને આ વિસ્તારમાં અંદાજિત ૪૫ હજાર માનવ વસ્તી સામે ગાય, ભેંસ, ઘોડા, ગદર્ભ સહિત ૧ લાખ ૫૦ હજાર પશુધન છે. વધુમાં હોડકો બાદના અંદાજિત ૨૨ ગામો કે, જયાં બન્ની પાણી યોજના હેઠળ નીર પહોંચતા નથી તેવા ગામોમાં હાલે ૬૨૦૦ની વસ્તી સામે ૧૨૦૦૦ પશુઓ છે. પાણીની સમસ્યા વચ્ચે લોકો મજબૂરીમાં નેસનું પાણી પીવે છે અને પશુઓને પણ પીવડાવે છે. વર્તમાન સ્થિતિએ પણ દરેક ગામમાં સીમ વિસ્તારના તળાવ, ડેમમાં ૫થી ૮ કાચા નેસ બનાવવામાં આવ્યા છે. જેની ઉંડાઇ અંદાજિત ૨૦થી ૨૫ ફૂટ અને લંબાઇ-પહોળાઇ ચાર-ચાર ફૂટની રાખવામાં આવે છે.