ગુજરાતમાં ૨૦૬ જળાશયો પૈકી ૦૬ જળાશય હાઈ એલર્ટ પર

ગુજરાતના રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી રાહત કમિશનર દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.આ બેઠકમાં IMDના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ચાલુ સપ્તાહ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદની સંભાવના છે. ૨૮ થી ૩૦ જૂન દરમ્યાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જીલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.

સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે, રાજયમાં ૨૦૬ જળાશયો પૈકી ૦૬ જળાશય હાઈ એલર્ટ, ૦૩ એલર્ટ, ૦૧ વોર્નિંગ પર છે.એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારી દ્વારા જણાવેલ છે કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે અને તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.આ બેઠકમાં GSDMA, CWC,કૃષિ, આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, જી.એમ.બી.,પંચાયત, કોસ્ટ ગાર્ડ, ઈસરો, ઉર્જા, ફીશરીઝ, માર્ગ અને મકાન, GSRTC, એરફોર્સ, ફાયર, યુ.ડી.ડી., ICDS,પશુપાલન, BSF,અન્ન અને નાગરિક પુરવઠા અને માહિતી વિભાગના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના ૧૦૧ તાલુકાઓમાં સાવર્ત્રિક વરસાદ પડ્યો છે. જેમાં ૧૧ તાલુકાઓમાં ૨ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે ૩૩ તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે ભાવનગરના ઘોઘા અને વલભીપુરમાં સૌથી વધુ ૨.૫ ઇંચ વરસાદ પડ્યો છે.જ્યારે નવસારી અને બારડોલીમાં પણ ૨.૫ ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ મહુવા, ધરમપુર, મુંદ્રા, જલાલપોર અને ચીખલીમાં ૨.૨૫ ઇંચ અને ખેરગામ, ગણદેવી, વાલોડ અને નેત્રંગમાં ૨ ઇંચ વરસાદ વરસ્યો છે.