ધોરાજી પંથકના ડુંગળીના ખેડૂતોની ડુંગળીઓ સડવા લાગતા મુશ્કેલીઓ વધી

રાજકોટઃ એક તરફ ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ નથી મળી રહ્યા જ્યારે બીજી તરફ ખેતરમાં તૈયાર થઈને પડેલી ડુંગળી પડી પડી સડી રહી છે. બજારમાં વેપારીઓ ખરીદી નથી રહ્યા અને ખરીદે તો સાવ ઓછા ભાવ આપે છે એ જોતા ધોરાજીના ખેડૂતોની હાલત દયનિય બની છે. ખેતરોમાં તૈયાર થઈને પડેલી ડુંગળી બગડવાની તૈયારીમા છે.

રાજકોટના ધોરાજી પંથકના ખેડૂતોની વાત કરીએ તો અતિવૃષ્ટિ અને માવઠાનો માર સહન કરીને હારી ચુકેલા ખેડૂતોને ડુંગળીએ રાતા પાણીએ રડાવ્યા છે. ખેડૂતોએ સારા ભાવ મળવાની આશાએ પુષ્કળ પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યુ. જેમા વાવેતરથી લઈને ઉત્પાદન સુધી એક વીઘાએ અંદાજીત ૨૦થી ૨૨ હજારનો ખર્ચ કરવામાં આવ્યો. પરંતુ હવે નિકાસ પર પ્રતિબંધ આવી જતા પોષણક્ષણ ભાવ નથી મળી રહ્યા.

ખેડૂતોનું કહેવુ છે કે જે ડુંગળી એક મહિના પહેલા ૭૦૦થી ૮૦૦ રૂપિયા મણ વેચાતી હતી તે ડુંગળી સરકારના નિકાસબંધીના નિર્ણય બાદ ૨૦૦થી ૨૫૦ રૂપિયે મણ વેચાઈ રહી છે. ખેડૂતોનુ કહેવુ છે કે એક કિલો ડુંગળીની પડતર જ ૨૦થી ૨૫ રૂપિયા પડી છે. ત્યારે હવે વેપારીઓ તેમની પાસે ૧૦ રૂપિયે કિલો ડુંગળી માગી રહ્યા છે.

ખેડૂતોની વ્યથા છે કે જે ડુંગળી ૨૫ રૂપિયે કિલો વેચાતી હતી તે હવે વેપારીઓ ૧૦ રૂપિયે માગી રહ્યા છે. આટલા ભાવમાં પડતર પણ ઉભી થતી નથી. લાલ ડુંગળી અંગે ખેડૂતો જણાવે છે કે તેને ૧૫થી ૨૦ દિવસ સુધી રાખી શકાય છે. બાદમાં આ ડુંગળી બગડી જાય છે. ત્યારે જેને લઈને ખેડૂતો મુંઝાયા છે. ખેડૂતો જણાવે છે કે હવે બગડવાની તૈયારી જ છે. ઢગલે મોઢે ડુંગળી બગડવા જ માંડી છે. ખેડૂતોનું કહેવુ છે કે નિકાસબંધી પહેલા ડુંગળી ઉપાડી લીધી હતી અને ઓચિંતાની સરકારે નિકાસ બંધ કરી દીધી. જેને લઈને ડુંગળી હવે વેચાઈ નથી રહી અને ખેતરમાં જ પડી રહી છે.

ખેડૂતોનુ કહેવુ છે કે એકવાર ડુંગળી ઉપાડી લીધા બાદ વધીને ૪થી ૫ દિવસ સારી રહે છે ત્યારબાદ બગડવાની શરૂઆત થઈ જાય છે. હવે ભાવ મળતા નથી અને વેપારીઓ જે ભાવે માગી રહ્યા છે તેમાંથી પડતર પણ ઉભી થતી નથી ત્યારે ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. ખેડૂતોની રજૂઆત છે કે સરકાર ફરી નિકાસ શરૂ નહીં કરે તો તેમને નાછૂટકે આંદોલન કરવુ પડશે. ધોરાજી પંથકમાં પુષ્કળ પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થયુ છે, પાક પણ લેવાઈ ગયો છે અને હવે નિકાલ નહીં થાય તો ખેડૂતોને ડુંગળી ફેંકવા સિવાય બીજા કોઈ વિકલ્પ નહીં બચે. ત્યારે સરકાર ઝડપથી આ મામલે ખેડૂતોને હિતમાં નિર્ણય કરે તેવી માગ ઉઠી રહી છે.