ડિસેમ્બર અંતમાં શરૂ થઇને છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે

અમદાવાદઃ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા સમગ્ર રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો વાર્તાયો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રીએ પહોંચી ગયું છે. આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. તો સૌથી ઓછું ૧૧ ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. આ સાથે ડીસામાં ૧૨.૬ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૧.૫ ડિગ્રી, વડોદરામાં ૧૫ ડિગ્રી, સુરતમાં ૨૦.૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાજકોટમાં ૧૩.૪ ડિગ્રી, ભાવનગરમાં ૧૭.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે.. રાજ્યમાં ઠંડીનો ચમકારો છે, પરંતુ ખરી ઠંડી તો મહિનાના અંતમાં આવશે. ડિસેમ્બર મહિનાના અંતમાં કડકડતી ઠંડી, હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થશે. ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી એવી છે કે, નાતાલ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવશે. ૧૮મી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થશે. ૨૩મી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે. ૨૩મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. આ દિવસોમાં કરા, ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, ૨૩ ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે.