કાતિલ ઠંડી વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી

કચ્છના નલિયામાં ઠંડીનો પારો ૧૨.૯ ડિગ્રીએ પહોંચ્યો

નવી દિલ્હીઃ આખરે રાજ્યમાં ઠંડી અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના ૧૦ શહેરોમાં લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રીથી ઓછુ નોંધાયું છે. ૧૨.૯ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો ગાંધીનગર, રાજકોટ, અમદાવાદ અને ડીસામાં ઠંડીનો પારો ગગડ્યો છે. આગામી દિવસોમાં ક્રમશઃ ઠંડીની અસર વધશે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ઠંડીના ચમકારા વચ્ચે કમોસમી વરસાદ આવી પડશે.

આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. બે દિવસ બાદ રાજ્યવાસીઓને ઠંડીનો અનુભવ થઈ શકે છે. બે દિવસ બાદ તાપમાનમાં ૨ ડિગ્રી કરતા વધુ ઘટાડો આવી શકે છે. જોકે, હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ વરસાદને લઈને કોઈ શકયતા નથી. કેટલાક સ્થળો પર વાદળછાયુ વાતાવરણ રહી શકે છે.

હવામાન વિભાગના ડાયેરક્ટર ડૉ.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, દિવસ અને રાત્રી દરમિયાન તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. બે ડિગ્રી જેટલું તાપમાન અપ એન્ડ ડાઉન રહી શકે છે. દિવસ દરમિયાન ૩૫ ડિગ્રી આસપાસ અને રાત્રે ૨૦ ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. ડિસેમ્બર અંતમાં ઠંડીનો ખરો ચમકારો અનુભવ થશે. હાલ કોઈ સિસ્ટમ ગુજરાતને લઈને સક્રિય નથી. માત્ર લોકલ એક્ટિવિટીના કારણે છેલ્લા બે દિવસમાં રાજ્યમાં કેટલાક સ્થળો પર વરસાદી માહોલ રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

હાલ સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. નલિયામાં સૌથી ઓછું ૧૨.૯ ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગર ૧૭.૨, ભૂજ ૧૭.૪, વડોદરામાં ૧૭.૬ ડિગ્રી તાપમાન આવ્યું છે. અમદાવાદ ૧૯, રાજકોટ ૧૮.૮, ભાવનગર ૧૯.૩ ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં ૧૯.૪, વેરાવળ ૨૨.૭ ડિગ્રી નોંધાયું. શહેરોમાં ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં વહેલી સવારે શીત લહેરનો અનુભવ થઈ રહ્યો છે.