ગુજરાતમાં ઉત્તર-પૂર્વના ઠંડા પવનો ફુંકાશે કાંતિલ ઠંડી પડશે : હવામાન વિભાગ

હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીના ચમકારમાં હજુ વધારો થઇ શકે છે. અમદાવાદમાં આગામી ૩ દિવસ સરેરાશ મહત્તમ તાપમાન ૩૪ અને સરેરાશ લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રીની આસપાસ રહેવાનું હવામાન વિભાગ દ્વારા અનુમાન કરાયું છે. અમદાવાદ અને ગાંધીનગરના તાપમાન વચ્ચે ૪.૩ ડિગ્રીનો તફાવત જોવા મળ્યો છે.

ગાંધીનગર અને નલિયા સિવાય રાજ્યના તમામ શહેરોનું લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રીથી ઉપર નોંધાયું છે. રાજ્યમાં વહેલી સવારે આકરી ઠંડીનો ચમકારો અનુભવાયો. દિવાળી અને નવા વર્ષના તહેવારોમાં આકરી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં ૨થી ૩ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે.

ઉત્તર-પૂર્વના પવન ફૂંકાતા ઉત્તર ગુજરાત,કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો રહેશે. ગુજરાતીઓએ થોડા દિવસો સુધી બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે. ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાની શરૂઆત થતાં જ આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધવાના સંકેતો મળી રહ્યાં છે. રાજ્યના કેટલાક શહેરોમા તો શિયાળાની ગાત્રો થીજવતી ઠંડીનું આગમન પણ થઈ ગયું છે. ગાંધીનગર શહેરમાં બે દિવસથી લઘુતમ તાપમાનનો પારો ગગડતાં લોકો ધ્રૂજી ઊઠયાં છે. પાટનગરમાં આજે લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી નોંધાય હતુ જ્યારે મહત્તમ તાપમાન ૩૩.૮ ડિગ્રી નોંધાયું હતું. આમ ગાંધીનગરમાં દિવસના તાપમાનની સરખાણીએ રાત્રીનું તાપમાન ૫૦ ટકા સુધી ગગડયું હતુ.