હવામાન વિભાગની આગાહી અમદાવાદમાં ૪૪ ડિગ્રી પારો પહોંચવાની શક્યતા

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર-પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.

આ ઉપરાંત હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પોરબંદર, ગીર સોમનાથ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવાની સાથે આગામી ચાર દિવસોમાં હીટવેવની સંભાવના દર્શાવી છે. હીટવેવની સ્થિતિ વચ્ચે હીટસ્ટ્રોકથી બચવા માટે નિષ્ણાંતોનું કહવું છે કે, પ્રવાહીનું સેવન કરવું જોઈએ, બપોરના સમયે બહાર જાવાનું ટાળવું જોઈએ જો બહાર જતાં હોય તો હળવા-રંગના કપડાં પહેરવા જોઈએ.

સોમવારના રોજ અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૨.૧ ડિગ્રી સેલ્સિયસ હતું, જે મંગળવારના રોજ ૪૨.૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું અને ભારતીય હવામાન વિભાગ અનુસાર, બુધવાર અને ગુરુવારે પારો ૪૩ ડિગ્રીને પાર જવાની સંભાવના છે. જ્યારે શુક્રવાર અને શનિવારે મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસને સ્પર્શી શકે છે. મંગળવારના રોજ કંડલા ૪૩.૮ ડિગ્રી સેલ્સિયસ સાથે ગુજરાતનું સૌથી ગરમ મથક રહ્યું હતું અને ત્યારબાદ સુરેન્દ્રનગર ૪૩.૩ ડિગ્રી અને ભુજ ૪૩.૨ ડિગ્રી સાથે બીજા અને ત્રીજા ક્રમાંકે રહ્યા હતા.