રાજકોટના ઘણા વિસ્તારોમાં ૩ દિવસ સુધી પાણીમાં કાપ મુકવામાં આવ્યો

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની લાપરવાહીને કારણે શહેરમાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, એકબાજુ શહેરના ૧૬ વોર્ડમાં પાણીકાપ ઝીંકાયો છે તો બીજી બાજુ વોર્ડ નં.૯માં સાધુ વાસવાણી રોડ પર શાકમાર્કેટ સામે છેલ્લા બે દિવસથી પાણીની પાઈપલાઈન લીકેજ થવાથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. મનપા દ્વારા પાણી બચાવવા માટે મોટા મોટા હોર્ડિંગ્સ લગાવાયા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જઈ પ્રજાજનો પાસેથી હજારો રૂપિયાનો દંડ વસુલવામાં આવી રહ્યો છે. પાણી બચાવવાની જેટલી જવાબદારી નગરજનોની છે એટલી જ જવાબદારી સત્તાધિશોની છે.

કોર્પોરેટરોની નિષ્ક્રિયતા અને તંત્રની લાપરવાહીને કારણે પાણીનો બગાડ થઈ રહ્યો છે એ હકિકત છે.રાજકોટમાં એક બાજુ ઉનાળો તેની ચરમસીમાએ પહોંચી ગયો છે ત્યારે આટલી ગરમીમાં પાણીની જરૂરિયાત વધુ રહે તે સ્વાભાવિક બની જાય છે. છતાં પણ નર્મદા યોજના આધારિત ન્યારા ઓફ ટેક પરનો રો-વોટર સમ્પ સાફ કરવાનો હોવાને કારણે કોર્પોરેશન દ્વારા ત્રણ દિવસ સુધી અડધા રાજકોટમાં પાણીકાપ ઝીંકી દેતાં લોકોમાં દેકારો બોલી ગયો છે. વોર્ડ નં. ૨ અને ૩માં બજરંગવાડી સહિતના વિસ્તારોમાં પાણી નહીં મળે. બીજીતરફ કાંગશિયાળી ગામમાં ૩૦૦ ફ્લેટધારકના ગેરકાયદેસર નળ કનેક્શ કાપી નાખવામાં આવ્યા છે. આથી મામલતદાર કાંગશિયાળી ગામે દોડી ગયા છે. આ ફ્લેટધાકરોએ ગોંડલ નેશનલ હાઇવે પરથી પસાર થતી નર્મદાની લાઇનમાં ભંગાણ કરી કનેક્શન લીધા હતા.

મહાપાલિકાએ જાહેર કર્યા પ્રમાણે બજરંગવાડી હેડવર્કસ હેઠળ આવતાં વોર્ડ નં.૨ (પાર્ટ), વોર્ડ નં.૩ (પાર્ટ)માં પાણીકાપ રહેશે. જ્યારે રૈયાધાર આધારીત ગાંધીગ્રામ અને ૧૫૦ ફૂટ રિંગરોડ હેડ વર્કસ હેઠળ આવતાં વોર્ડ નં.૧, ૨ (પાર્ટ), ૯ (પાર્ટ) અને ૧૦ તેમજ રેલનગર હેડવર્કર્સમાં આવતાં વોર્ડ નં.૧૩ (પાર્ટ), ચંદ્રેશનગર હેડવર્કર્સ હેઠળ આવતાં વોર્ડ નં.૮ (પાર્ટ) ૧૧ (પાર્ટ) અને ૧૩ (પાર્ટ)માં પાણી વિતરણ કરવામાં આવશે નહીં.

જ્યારે તા.૨૯ એપ્રિલને બજરંગવાડી વોર્ડ નં.૨ (પાર્ટ), ૩ (પાર્ટ) તેમજ મવડી વોર્ડ નં.૮ (પાર્ટ), ૧૧ (પાર્ટ), ૧૨ (પાર્ટ), ૧૩ (પાર્ટ)માં પાણી વિતરણ પ્રભાવિત થનાર હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. તેમાં વોર્ડ નં.૧માં રામેશ્વર પાર્ક (પાર્ટ-૨), વિદ્યુનગર જજ બંગલો, આલાપ ગ્રીન સિટી, ગોવિંદનગર, ગોપાલનગર, ધરમનગર આવાસ યોજના, રવિ રેસિડેન્સી, ઋષિ વાટિકા, શાસ્ત્રીનગર સહિતના વિસ્તારો ઉપરાંત વોર્ડ નં.૨માં રંગ ઉપવન સોસાયટી, છોટુનગર મફતિયાપરા, વોર્ડ નં.૯માં મીરાનગર, શ્રીજી પાર્ક, સરસ્વતી પાર્ક, અંજની પાર્ક, હિરામણીનગર, વિતરાગ સોસાયટી, નેમીનાથ સોસાયટી, દીપક સોસાયટી સહિતના અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યારે વોર્ડ નં.૧૦માં જ્ઞાનજીવન સોસાયટી, જીવનનગર, અમી પાર્ક, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, આફ્રિકા કોલોની, નવીનનગર, પારસ સોસાયટી, તિરૂપતિનગર, રાવલનગર, જલારામ પ્લોટ-૧ વોર્ડ નં.૮માં નંદ કિશોર સોસાયટી, રાધાનગર, પટેલ પાર્ક, પૂર્ણિમા સોસાયટી, જયશક્તિ સોસાયટી, દાસીજીવણપરા, કરણ પાર્ક, વિદ્યુતનગર, ભક્તિધામ, દેવનગર, મેઘમાયાનગર, વોર્ડ નં.૧૧માં માયાણીનગર પાર્ટ, વિશ્વનગર આવાસ યોજના, સિલ્વર હાઈટસ એપાર્ટમેન્ટ, વીરલ સોસાયટી, નહેરુનગર સોસાયટી, પટેલ પાર્ક, સરદારનગર, ચામુંડાનગર, અલ્કા સોસાયટી, વોર્ડ નં.૨માં ગાયત્રીધામ સોસાયટી, મોચીનગર-૧,૨, અવંતીકા પાર્ક, શિવાનંદ પાર્ક, પૂજા પાર્ક, પુનીતનગર, બજરંગવાડી, રાજીવનગર, સંજયનગર, મોમીન સોસાયટી, વસુધા સોસાયટી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.