અમદાવાદમાં નારોલ અને આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણથી સ્થાનિકો ત્રસ્ત

કોરોના કાળમાં અમદાવાદમાં જોવા મળતા વાયુ પ્રદૂષણમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ફરીથી જનજીવન સામાન્ય બનતા વાયુ પ્રદૂષણમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઔદ્યોગિક એકમોની આસપાસ આવેલા વિસ્તારોમાં રહેતા લોકોનું જીવન પ્રભાવિત થતુ હોય છે.

નારોલમાં આવેલા ઔદ્યોગિક એકમોમાંથી સતત નીકળી રહેલા ઝેરી ધૂમાડાથી નારોલ, રાણીપુર પાટીયા, શાહવાડી, ઇસનપુર સહિતના વિસ્તારના રહીશો ત્રસ્ત બન્યા છે. ઔદ્યોગિક એકમોમાંથી નીકળી રહેલા ધૂમાડાથી સ્થાનિકો શ્વાસ સંબંધિત બિમારીઓનો ભોગ બની રહ્યાં છે. ત્યારે અહીંના સ્થાનિકોની સુખાકારી માટે ઔદ્યોગિક એકમો સામે યોગ્ય પગલા ભરવામાં આવે તે જરૂરી બન્યું છે.

ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાવવમાં આવી રહેલા વાયુ પ્રદૂષણને લઇને સ્થાનિક અને જાગૃત નાગરિક દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં રજૂઆત પણ કરી છે. પરંતુ જીપીસીબીના અધિકારીઓ જાણે આંખ આડા કાન કરી રહ્યાં હોવાનું જણાઇ રહ્યું છે. વિશાળ પ્રમાણમાં ધુમાડા ઓકી રહેલા આ ઔદ્યોગિક એકમો સામે ક્યારે નક્કર પગલા લેવાશે તે પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે.