ચમોલી રેસ્ક્યુઃ તપોવન સુરંગમાંથી મળ્યા વધુ ૧૨ શબ, મૃતકઆંક વધીને ૫૦

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગત ૭ ફેબ્રુઆરીના રોજ ગ્લેશિયર તૂટવાના કારણે આવેલા પૂરમાં મરનારા લોકોની સંખ્યા વધીને ૫૦ થઈ ગઈ છે. આ દુર્ઘટના બાદ રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. રવિવારે સવારે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન તપોવન સુરંગમાંથી વધુ ૧૨ શબ મળી આવ્યા હતા જેથી આ દુર્ઘટનામાં મરનારા કુલ લોકોનો આંકડો ૪૩એ પહોંચ્યો છે.

ચમોલીના જિલ્લાધિકારી સ્વાતિ એસ ભદૌરિયાએ શનિવારે એનટીપીસી ટનલમાં ૧૩૬ મીટર સુધી ખોદકામ થઈ ગયું હોવાની માહિતી આપી હતી. શુક્રવારે પણ એક મૃતદેહ હાથ લાગ્યો હતો. ગાયબ થયેલા ૨૦૪ લોકોમાંથી ૩૮ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા અને હજુ પણ રાહતકાર્ય ચાલી રહ્યું છે.

રવિવારે સવારે વધુ ૫ મૃતદેહ હાથ લાગવા સાથે મૃતકઆંક ૪૩ થઈ ગયો છે અને ટનલમાંથી કાટમાળ, કીચડ ખસેડવાનું કામ હજુ પણ ચાલુ છે. હજુ પણ કેટલાક લોકો ટનલમાં ફસાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે. ગ્લેશિયર તૂટ્યા બાદ ચમોલીનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક ગામો સાથેનો સંપર્ક કપાઈ ગયા બાદ આઈટીબીપીએ ત્યાં રાહત કેમ્પ્સ લગાવ્યા છે અને લોકોને જરૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.