જાણો ગુજરાતનો યુવા ખેડૂત પ્રાકૃતિક ખેતીને લઇને કેવા વિચારો ધરાવે છે

ગાંધીનગરઃ લાંબા સમયે હરિતક્રાંતિ અને યાંત્રિકીકરણથી જમીન બગડી, પાકો, બિયારણો, પાણી, પર્યાવરણ વગેરે દુષિત થયા અને પાકોની ગુણવતા બગડી અને ખોરાકમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધ્યું છે ત્યારે પ્રાકૃતિક ખેતી જ આવનાર સમયમાં જમીનને ફરી ફળદ્રુપ અને હરિયાળું બનાવી શકે એમ છે.

દહેગામના જીંડવા ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગામના યુવા ખેડૂત નિખિલ પટેલે દેશની મા ભોમ એવી ખેતીલાયક જમીનની ચિંતા કરીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અપીલ કરી હતી. નિખિલભાઈએ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક તત્વો અને ગાય આધારિત ખેતી એટલે પ્રાકૃતિક ખેતી. જેમાં પાકના વિકાસ માટે રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી.

પ્રાકૃતિક ખેતીના ફાયદા ગણાવતા તેઓ જણાવે છે કે પ્રાકૃતિક ખેતીથી જમીન ફળદ્રુપ થાય છે જેથી સમય જતાં પાક ઉત્પાદન સારૂં થાય છે. વધુમાં પ્રાકૃતિક ખેતીથી જમીનની ભેજસંગ્રહ ક્ષમતા વધે છે. ૧ ગાયથી ૩૦ એકર જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ શકે છે. તેઓ ભૂતકાળમાં થતી ખેતી વિશે જણાવતા કહે છે કે આપણા પૂર્વજો પ્રાકૃતિક ખેતી જ કરતા હતા, એમને રાસાયણિક ખાતરો કે દવાની જરૂર રહેતી ન હતી.

તેમણે વધુ સમજ આપતા જણાવ્યું હતું કે ખેતરમાં અમૃત સમાન જીવામૃત નાખવાથી ભૂમિમાં છૂપાયેલા તત્વો બહાર આવે છે. દેશી ગાયનું ગૌ મૂત્ર, છાણ, ચણાનો લોટ, દેશી ગોળ અને શેઢાની માટીને ૨૦૦ લિટર પાણીમાં ઉમેરીને ૧ એકર જમીન માટે જીવામૃત તૈયાર કરી શકાય છે. આ જીવામૃતમાં દેશી ગાયનું સૂકું છાણ ભેળવી દઈએ એટલે ઘન જીવામૃત તૈયાર થાય છે. વાવેતર વખતે બીજામૃતનો ઉપયોગ કરવામાં આવે તો વાવેતર પાકમાં કોઈ રોગ આવતો નથી.

ઉલ્લેખનીય છેકે દેશની વધતી જતી વસતિને પુરવઠો પુરો પાડવા ઘનિષ્ઠ પાક ઉત્પાદન પધ્ધતિઓને કારણે ઉભી થયેલ સમસ્યાઓથી જમીન, પાણી, પર્યાવરણ અને ખેતી દ્વારા થતુ ઉત્પાદન ઝેરી તત્વોવાળુ થવાથી મનુષ્યોમાં અસાધ્ય રોગોનું પ્રમાણ વધ્યુ છે જેને લીધે તેમની રોગ પ્રતિકારકતા પણ ઘટી છે એવામાં પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર ઉપાય છે.