ભૂગર્ભ પ્રદૂષણ ફેલાવનારા જેતપુરના કારખાનેદારો ઝડપાયા, જેતપુર નગરપાલિકાના ચીફ ઑફિસર અને જીપીસીબીની ટીમના સંયુક્ત ઓપરેશને ખોલી કારખાનેદારોની પોલ

જેતપુરના પ્રદાશિક અધિકારીની કાર્યવાહીથી પ્રદૂષણ માફિયાઓમાં ફફડાટનો માહોલ

ભૂગર્ભ પ્રદૂષણ ફેલાવી પ્રદૂષણને નુક્શાન પહોંચડનારા કારખાનેદારો ઝડપાયા છે. ઝડપાયેલા આ તમામ કારખાનેદારો જેતપુરના છે, જેઓના સાડીના કારખાનાઓમાંથી નીકળતુ કલર કેમિકલયુક્ત પાણી કે જેને સંપમાં મોકલવામાં આવે છે, તેને સીધું જ નગરપાલિકાની ગટરમાં ઠાલવી દેવામાં આવતુ હતુ. આ રીતે ભૂગર્ભ પ્રદૂષણ ફેલવનારા પાંચ યુનિટ ઝડપી પાડી પાલિકાએ એક્શન લઇ તમામના ભૂગર્ભ ગટર જોડાણ કાપી નાંખવામાં આવ્યા છે. તો જીપીસીબી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી કેમિકલયુક્ત પાણીના સેમ્પલ લઇ ગાંધીનગર પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે.

વિગત પ્રમાણે નગરપાલિકાના એસઆઇ હર્ષદભાઈ ટાટમિયાની ટીમ, ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના વિશાલભાઈ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કે. બી. વાધેલાની ટીમના ગીરધરરામ સહિતનાઓ જેતપુર રાબરિકા રોડ પર આવેલા પાદરિયા ઉદ્યોગનગરમાં સંયુક્ત તપાસ આદરી હતી. જે તપાસ દરમિયાન જય જલારામ પ્રિન્ટ (નારદભાઈ દાવલા), પરિચીત સારી (રીટાગૌરી જગદીશભાઈ ખાચરિયા), જય ગાયત્રી ડાઈંગ (વલ્લભભાઈ રણછોડભાઇ કાપડિયાના 1થી 4 યુનિટ)ના કારખાનાઓમાંથી કલર કેમિકલયુક્ત પાણી ડાઈંગ એસોસિએશનના ઠરાવ મુજબ ટેન્કર મારફતે નજીકના સંપમાં મોકલવાના બદલે સીધું જ નગરપાલિકાની ભૂગર્ભ ગટરમાં છોડવામાં છોડી ભૂગર્ભ પ્રદૂષણ કરી રહ્યાં હોવાનું સામે આવ્યું હતુ.

આ તપાસ દરમિયાન જલારામ પ્રિન્ટના સંચાલકને સંયુક્ત તપાસની જાણ થઇ જતા કારખાનું બંધ કરી જતા રહ્યાં હતા. જોકે પાલિકા દ્વારા આ તમામ કારખાનાના ગટર જોડાણને તોડીને બંધ કરી દેવામાં આવ્યા છે.

આ તપાસમાં જો સેમ્પલિંગ માટે મોકલાયેલું પાણી ધોરણસરના પીએચ કરતા ઉપરનું રિપોર્ટમાં જણાશે તો જે તે કારખાનાને ક્લોઝર નોટિસ આપવામાં આવશે, તેવી માહિતી અંગત સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ છે.

તો વધુમાં  જૂની પાણી સંગ્રહ કરવાની ટાંકીઓમાંથી પ્રદૂષિત પાણી ભાદર નદીમાં જતુ હતુ, જેને જેતપુર જીપીસીબીની ટીમ ના નિર્દેશન મુજબ  ડાઈંગ એસોસિએશન સંચાલિત સીઇટીપીના ચેરમેન જયંતિભાઈ રામોલિયાને સાથે રાખી બુલડોઝરથી તોડી પાડવામાં આવી છે.