જાપાને દરિયામાં રેડિયો-એક્ટિવ પાણી છોડવાનું શરૂ કર્યું, દેશ-વિદેશમાંથી ઉઠ્યાં વિરોધના વંટોળ

નવીદિલ્હીઃ માર્ચ ૨૦૧૧માં જાપાનમાં આવેલા તીવ્ર ભૂકંપ અને સુનામીથી લગભગ નાશ પામેલા ફુકુશિમા દાઇચી પરમાણુ પ્લાન્ટમાંથી સંશોધિત રેડિયોએક્ટિવ પાણીને પ્રશાંત મહાસાગરમાં (Pacific Ocean) છોડવાની પ્રક્રિયા ગુરુવારે શરૂ કરવામાં આવી હતી. જાપાની અખબારના અહેવાલ મુજબ, પ્રથમ દિવસે ૨ લાખ લિટર પાણી છોડવામાં આવશે, ત્યારબાદ દરરોજ ૪.૬૦ લાખ લિટર પાણી છોડવામાં આવશે. આગામી ૩૦ વર્ષ સુધી દરિયામાં ૧૩૩ કરોડ લિટર રેડિયોએક્ટિવ પાણી છોડવાની યોજના છે.

પરમાણુ પ્લાન્ટના કંટ્રોલ રૂમમાંથી બહાર પાડવામાં આવેલ વીડિયોમાં ટોક્યો ઇલેક્ટ્રિક પાવર કંપની (TEPCO)નો કર્મચારી માઉસનું બટન દબાવીને દરિયાઈ પાણીનો પંપ ચાલુ કરતો બતાવે છે. ચીફ ઓપરેટરે કહ્યું, ‘સી વોટર પંપ “એ” ચાલુ કરી દેવામાં આવ્યો છે.’ TEPCO પછીથી પુષ્ટિ કરી કે દરિયાઈ પાણીનો પંપ સ્થાનિક સમય મુજબ બપોરે ૦૧:૦૩ વાગ્યે ચાલુ કરવામાં આવ્યો હતો.

ટેપકોએ જણાવ્યું હતું કે ૨૦ મિનિટ પછી વધારાનો કચરો બહાર કાઢવાના પંપ શરૂ કરવામાં આવ્યા હતા. પ્લાન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી બધું બરાબર ચાલી રહ્યું છે. જાપાનના માછીમાર સમુદાયે આ યોજનાનો એમ કહીને વિરોધ કર્યો હતો કે આનાથી ‘સીફૂડ’ના વ્યવસાયને ઘણી અસર થશે. ચીન અને દક્ષિણ કોરિયાએ પણ આ યોજના પર શંકા વ્યક્ત કરી હતી. તેને રાજકીય મુદ્દો બનાવવામાં આવ્યો હતો.

જાપાન સરકારે કરેલા ખુલાસા વિશે જાણીએ તો, જાપાન સરકાર અને TEPCOનું કહેવું છે કે પાણી છોડવું જરૂરી છે જેથી સ્થળને સુરક્ષિત બનાવી શકાય અને આકસ્મિક પાણી લીકેજની કોઈપણ ઘટનાને અટકાવી શકાય. તેમનું કહેવું છે કે તેને ટ્રીટ કરીને પાતળું કરવાથી ગંદુ પાણી આંતરરાષ્ટ્રીય ધોરણો કરતાં વધુ સુરક્ષિત બનશે અને પર્યાવરણ પર તેની અસર નહિવત હશે.

યુનિવર્સિટી ઓફ એડિલેડના ‘સેન્ટર ફોર રેડિયેશન રિસર્ચ, એજ્યુકેશન, ઇનોવેશન’ના ડાયરેક્ટર ટોની હૂકરે કહ્યું કે ફુકુશિમા પ્લાન્ટમાંથી છોડવામાં આવતું પાણી સુરક્ષિત છે. તેમણે કહ્યું, ‘તે વિશ્વ આરોગ્ય સંસ્થાના પીવાના પાણીની માર્ગદર્શિકા કરતાં ચોક્કસપણે ઘણું ઓછું છે. પરંતુ તે સલામત છે. જાપાન દ્વારા દરિયામાં રેડિયોએક્ટિવ પાણી છોડવાને કારણે ચીન, દક્ષિણ કોરિયા અને હોંગકોંગમાં સૌથી વધુ ભય ફેલાયો છે.

ચીન અને હોંગકોંગે જાપાનમાંથી સીફૂડની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. સીફૂડ દ્વારા માછલી, કરચલા અને દરિયાઈ જીવો માનવ શરીરમાં પ્રવેશ કરશે તેવો ભય છે. તે જ સમયે, વિદ્યાર્થીઓ ઉત્તર કોરિયામાં જાપાન એમ્બેસી તરફ વિરોધમાં આગળ વધી રહ્યા હતા, પરંતુ તેમની ધરપકડ કરવામાં આવી છે. ચીને જાપાન પર વિશ્વને જાખમમાં મુકવાનો આરોપ લગાવ્યો છે.