જય ગણેશઃ ઐતિહાસિક ગણેશવડ મંદિર જ્યાં સદીઓ જૂના વડના થડમાં પ્રતિકૃતિ રૂપે છે શ્રી ગણેશજી

આજે જયારે ગણપતિ બાપા મોરીયાના જય જયકાર વચ્ચે ગણેશ ઉત્સવની ઉમંગભેર ઉત્સાહથી ઉજવણી સમગ્ર ભારત દેશમાં થઇ રહી છે ત્યારે નવસારી જિલ્લાના ગણેશ સિસોદ્રા ગામે આવેલું ઐતિહાસિક ગણેશવડ મંદિર પણ ભાવિ ભકતો માટે ખૂબ જ મહાત્મ્ય અને શ્રધ્ધાનું કેન્દ્ર ગણાંય છે. આ મંદિર આમ તો સદીઓ જૂના વડના થડમાં શ્રી ગણેશજી પ્રતિકૃતિ રૂપે છે. આ પ્રતિકૃતિને લોકો ખૂબ જ શ્રધ્ધા અને વિશ્વાસથી પૂજા-અર્ચના કરે છે. વિશેષતઃ ગણેશ ઉત્સવ દરમિયાન આ ગણેશવડનું ધાર્મિક મહત્વ અનેકગણું વધી જાય છે.

આ ગણેશવડ નવસારીથી આશરે સાતેક કિલોમીટર દૂર મહુવા રોડ ઉપર આવેલું છે. ઇતિહાસના પાને અને લોકવાયકા પ્રમાણે, જયારે મોગલ સમ્રાટ ઔરંગઝેબે ગણેશવડ મંદિરનો નાશ કરવા માટે સિપાહીઓને મોકલ્યા હતાં, ત્યારે ગણેશવડમાંથી ઝેરી ભમરાઓ નીકળીને સિપાહીઓને કરડતાં ડરના માર્યા સિપાહીઓ ભાગી ગયા હતાં. આ વાતની જાણ મોગલ સમ્રાટને  થતા તેણે મંદિરના નાશ કરવાનો વિચાર પડતો મૂકયો હતો.તેઓને શ્રીગણપતિજી સાક્ષાત બિરાજમાન છે તેવો અનુભવ પ્રાપ્ત થયો હતો.

ગણેશવડ ખાતે આજે પણ મંદિરની સ્થાપનામાં અને તેની તરફેણમાં રસ લઇ કરેલા હુકમોની બાદશાહની હસ્તલિખિત ઉર્દુ ફારસીની પ્રતો આજે પણ આ મંદિરમાં સચવાયેલી છે અને મંદિર સામે સદીઓ પુરાણો ગણેશવડ હજીપણ અડીખમ ઉભો છે. ગણેશવડની બાજુમાં શિવ-પાર્વતી અને શ્રીગણેશજીનું આધુનિક મંદિર પણ છે. ગણેશચતુર્થીના ઉત્સવ દરમિયાન  નવસારી તેમજ આજુબાજુના ભાવિક ભકતો મોટી સંખ્યામાં દર્શાનાર્થે આવે છે. અહી આવતા શ્રધ્ધાળુઓની મનોકામના શ્રીગણેશજી પૂરી કરે છે.