રસ્તાઓ પર ખાડા ખોદી સરખા કરવાને બદલે અન્ય જગ્યાએ નવા ખાડા ખોદે છે…

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલી કામગીરીએ નાગરિકોની હાલાકી વધારી દીધી છે. ઘણી જગ્યાએ રોડ પહોળા કરવા માટે ઠેર-ઠેર ખાડા ખોદાયા બાદ તેને પૂરવાનું ભૂલી જવાયું છે. જેના કારણે ખાડા ખોદેલા રોડ અધૂરા રાખીને નવા રોડ ખોદવામાં આવી રહ્યાં છે. પરિણામે ભુવા પડવાની સ્થિતિ ઊભી થઈ છે અને કાદવ-કિચડના કારણે અકસ્માત-રોગચાળાનું જોખમ પણ ઊભું થયું છે. ન્યુ ગાંધીનગર વિસ્તારમાં સૌથી દયનીય સ્થિતિનું નિર્માણ થયું છે. સરગાસણ સ્વાગત ફ્લેમીંગો પાછળનો આખો વિસ્તાર ખખડધજ રસ્તા કાદવ કીચડથી ખદબદી રહ્યા છે. છતાં સ્થાનિક કાઉન્સિલરનાં પેટનું પાણી હલતું નથી. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સેકટરના આંતરિક રિંગ રોડને ફોર લેન કરવામાં આવી રહ્યા છે. એમાંય વળી ફોર લેન ઉપરાંત ડિવાઈડરવાળા રોડ તૈયાર થઈ રહ્યા છે.

નિયમ મુજબ વાહનોની અવર-જવરનો સર્વે કર્યા બાદ રોડ પર ડિવાઈડર બનાવવાનો ર્નિણય કરવાનો રહેતો હોય છે. જો કે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ આવો કોઈ સર્વે હાથ ધરાયો નથી.આટલું ઓછું હોય તેમ રોડ પહોળા કરવા માટે ચોમાસામાં ખાડા ખોદવામાં આવ્યા છે. આમ અધુરા રોડને પૂરા કરવાના બદલે નવા ખાડા ખોદવાની ઉતાવળના કારણે ભુવા પડવાનું જોખમ ઊભું થયું છે.

હજી તો નજીવા વરસાદમાં આવી સ્માર્ટ સીટીની આવી હાલત થઈ છે. જો ધોધમાર વરસાદ પડશે ત્યારે સ્થિતિ કેટલી કફોડી થશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે, પરંતુ હાલની સ્થિતિએ ઝરમર વરસાદમાં ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ રહેવાની સાથે કાદવ-કિચડની સમસ્યા સર્જાઈ છે. નાણાંકીય વર્ષમાં કોર્પોરેશન તંત્રએ કરોડો રૂપિયાનો પ્રોફેશનલ ટેક્સ ઉઘરાવી લેવાયો છે. એમાંય નવાં વિસ્તારોનો સમાવેશ થતાં મનપાની તિજોરી ટેક્સની આવકથી છલકાઈ ગઈ છે. છતાં નાગરિકોને પાયાની સુવિધાઓ આપવામાં મનપા તંત્ર વામણું પુરવાર સાબિત થયું છે.ગાંધીનગરમાં ચાલુ સિઝનમાં હજી નોંધપાત્ર વધુ વરસાદ પડ્યો નથી છતાં શહેરના અનેક માર્ગોમાં ગાબડાં પડી ગયા છે. જેના કારણે લોકોને અવર-જવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોર્પોરેશન તંત્રનાં પાપે કહેવાતું સ્માર્ટ સીટી ગાંધીનગર હાલમાં તો ખાડા નગરમાં ફેરવાઈ ગયું છે.