ભારતીય વડાપ્રધાન દેશના લોકોના હિતોની રક્ષા માટે કડક વલણ અપનાવે છેઃ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

નવીદિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસા કરી છે. પીએમ મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે ભારતીય વડાપ્રધાન દેશના લોકોના હિતોની રક્ષા માટે કડક વલણ અપનાવે છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે પીએમ મોદીની નીતિ નવી દિલ્હી અને મોસ્કો વચ્ચેના ગાઢ સંબંધોની ગેરંટી છે. આ દરમિયાન પુતિને પીએમ વિશે કહ્યું હતુ કે મોદીને ડરાવવા ધમકાવવા મુશ્કેલ છે.

એક મીડિયા ઈન્ટરવ્યુમાં, રશિયન રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે ‘હું કલ્પના કરી શકતો નથી કે મોદીને ડરાવવામાં આવી શકે છે કે, ધમકાવવામાં આવે અથવા ભારત અને ભારતીય લોકોના રાષ્ટ્રીય હિતની વિરૂદ્ધ કોઈ ડરાવવા કે ધમકાવામાં આવી શકે. હું જાણું છું કે તેઓ કેટલા દબાણ હેઠળ છે. તેમણે વધુમાં કહ્યું કે બહારથી શું થઈ રહ્યું છે તે તેઓ જોઈ રહ્યા છે.

રશિયન રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે સાચું કહું તો ભારતીય લોકોના રાષ્ટ્રીય હિતોની રક્ષા અંગેના તેમના કડક વલણથી કેટલીકવાર મને આશ્ચર્ય થાય છે. રશિયાના રાષ્ટ્રપતિએ એ પણ નોંધ્યું કે રશિયા-ચીન સંબંધો સતત તમામ દિશામાં વિકાસ કરી રહ્યા છે અને તેની મુખ્ય ગેરંટી વડાપ્રધાન મોદીની નીતિ છે.

ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ જણાવ્યું હતું કે ભારતે ફરી એકવાર અધ્યક્ષના અત્યંત ફળદાયી કાર્યનું પ્રદર્શન કર્યું છે અને આવા કાર્યક્રમો ખૂબ જ સમયસર યોજાઈ રહ્યા છે તેના સારા પરિણામો છે. રશિયાની સરકારી સમાચાર એજન્સીને ટાંકીને રોઇટર્સે અગાઉ અહેવાલ આપ્યો હતો કે મોસ્કો અને નવી દિલ્હી ટૂંક સમયમાં પુતિન અને પીએમ મોદી વચ્ચે સમિટની ચર્ચા કરી રહ્યા છે.