ગુજરાત સહિત ભારતના ચાર સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા

નવીદિલ્હીઃ ગુજરાત સહિત ભારતના ચાર સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગુજરાતમાં કચ્છમાં ધરતીકંપનો અનુભવ થયો છે. તો દેશમાં કર્ણાટક, તમિલનાડુ અને મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દેશમાં એક સાથે ચાર સ્થળોએ ભૂકંપના આંચકા આવતા લોકો ચિંતામાં મુકાયા છે.

દેશમાં દિવસે દિવસે ભૂકંપની ઘટનાઓમાં વધારો થતો જઇ રહ્યો છે. શુક્રવારે ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ અને મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગુજરાતમાં વહેલી સવારે ૯ કલાકે કચ્છના રાપરમાં ધરતીકંપનો અનુભવ થયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી ૧૯ કિમી દૂર નોંધાયું છે. ભૂકંપની તીવ્રતા ૪.૨ હોવાની માહિતી છે. તો મેઘાલયના શિલોંગમાં ૩.૮, કર્ણાટકના વિજયપુરમાં ૩.૧, તમિલનાડુ ચેંગલપચટ્ટમાં ૩.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.

ગુજરાતમાં કચ્છની સાથે રાજકોટમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ધરતીકંપના કારણે કચ્છ અને રાજકોટમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આંચકા બંધ થયા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો. તીવ્રતા ઓછી હોવાના કારણે એકપણ જગ્યાએ જાનહાનીના સમાચાર નથી. ભારતમાં વર્ષ ૨૦૨૩માં ૧૨૪થી વધુ વાર હળવા અને મજબૂત ભૂકંપ આવ્યા છે. થોડા દિવસ પહેલા જ કેન્દ્ર સરકાર દ્વારા આ ડેટા જાહેર કરવામાં આવ્યા છે.

૨૦૨૩માં ભૂકંપની ગતિવિધિમાં ભારે વધારો થવાનું મુખ્ય કારણ પશ્ચિમ નેપાળમાં અલ્મોરા ફોલ્ટનું સક્રિયકરણ હોવાનું કહેવાય છે. આ પ્રવૃત્તિને કારણે ૨૪ જાન્યુઆરી, ૨૦૨૩ (M: ૫.૮), ૩ ઓક્ટોબર, ૨૦૨૩ (M: ૬.૨), અને ૩ નવેમ્બર, ૨૦૨૩ (M: ૬.૪)ના રોજ મજબૂત ધરતીકંપ આવ્યા છે. વર્ષ ૨૦૨૩માં ભૂકંપની આવૃત્તિ છેલ્લા ચાર વર્ષમાં બમણી થઈ ગઈ છે.

કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરણ રિજિજુએ લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે પશ્ચિમ નેપાળમાં અલ્મોરા ફોલ્ટ સક્રિય થવાને કારણે ભૂકંપના કેસમાં વધારો થયો છે. ઉત્તર ભારત અને નેપાળમાં અવારનવાર મધ્યમ ભૂકંપ અને ધરતીકંપની ગતિવિધિઓમાં વધઘટ અનુભવવી સામાન્ય છે.