ભારત આબોહવા પરિવર્તન પર વૈશ્વિક લડાઈનું નેતૃત્વ કરવા માંગે છે

ચેન્નઈઃ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે 28 જુલાઇ શુક્રવારે જણાવ્યું હતું કે વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતું લોકશાહી અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે, ભારત જી-20 સાથે મળીને આબોહવા પરિવર્તન સામેની વૈશ્વિક લડાઈનું નેતૃત્વ કરવા માંગે છે.

અહીં G20 પર્યાવરણ અને આબોહવા મંત્રીઓની બેઠકમાં તેમના સંબોધનમાં, મંત્રી યાદવે જણાવ્યું હતું કે વૈશ્વિક સંચિત ઉત્સર્જનમાં ભારતનું યોગદાન ચાર ટકાથી ઓછું છે અને માથાદીઠ ઉત્સર્જન વૈશ્વિક સરેરાશના ત્રીજા ભાગ જેટલું છે.

તેમણે કહ્યું કે ભારત સતત ઉકેલનો સ્ત્રોત રહ્યો છે, જ્યારે ઐતિહાસિક રીતે તે સમસ્યાઓનો ભાગ નથી રહ્યો. “અમે નિર્ણાયક સ્થાનિક પગલાં લીધાં છે, મહત્વાકાંક્ષી લક્ષ્યો નક્કી કર્યા છે અને ISA, CDRI, મિશન લાઇફ અને ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ જેવી વિવિધ પહેલ દ્વારા સક્રિયપણે આંતરરાષ્ટ્રીય પ્રયત્નોનું નિર્દેશન કર્યું છે.” તેમણે ઉમેર્યું.

ભૂપેન્દ્ર યાદવે કહ્યું, “જોકે, આપણે નોંધપાત્ર પ્રગતિ કરી છે, આપણે હજુ પણ આપણા વિકાસલક્ષી અને આબોહવા લક્ષ્યો સુધી પહોંચવાના ટ્રેક પર નથી. ગરીબી નાબૂદી, ઉર્જા અને સંસાધનોની સમાન પહોંચ, ખાદ્ય અને પાણીની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરીને આપણે આપણા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) સુધી પહોંચવા માટેના અમારા પ્રયાસો વધારવાની જરૂર છે.”

આ સંદર્ભમાં, ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે આબોહવા પરિવર્તન, જૈવવિવિધતાનું નુક્શાન, મરૂસ્થળીકરણ અને પ્રદૂષણ જેવા જટિલ અને એકબીજા સાથે જોડાયેલા પડકારોનો સામનો કરવા માટે રાષ્ટ્રો વચ્ચે સહકાર મહત્વપૂર્ણ છે.