ઉત્તર ગુજરાતમાં ૬ ડેમોમાં પાણીની આવક છતાં ઉનાળામાં પાણીની અછત વર્તાય તેવી સંભાવના

ઉત્તર ગુજરાતના જિલ્લામાં સરેરાશ ૨૨.૪૦ ઇંચ વરસાદ સાથે ચોમાસાએ વિદાય લીધી છે. ૨૨.૬૪% વરસાદની ઘટ સાથે છેલ્લા ૩૪ વર્ષમાં ૧૨મું સૌથી નબળુ ચોમાસુ રહ્યું છે. સૌથી ઓછો ૫.૫૬ ઇંચ વરસાદ ૧૯૮૭માં, જ્યારે સૌથી વધુ ૫૬.૮૪ ઇંચ વરસાદ ૨૦૦૬માં નોંધાયો હતો. ચાલુ ચોમાસામાં ૭ વ્યક્તિ અને ૨૪ પશુનાં મોત થયાં છે. જેમાં ૭ પૈકી ૬ વ્યક્તિના મોત વીજળી પડતાં થયાં છે. વર્ષ ૨૦૨૦માં ૭ પૈકી ૨ માનવમૃત્યુ અને ૨૫ પૈકી ૧૯ પશુનાં મોત વીજળી પડવાથી થયા હતા.

૧૦ વર્ષમાં સૌથી વધુ ૧૨ માનવ મૃત્યુ ૨૦૧૩ના ચોમાસામાં, જ્યારે ૨૦૧૫ના ચોમાસામાં સૌથી વધુ ૧૨૦૦ પશુનાં મોત થયા હતા.ઉત્તર ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લીધાને એકાદ સપ્તાહ થઇ ગયું છે. છતાં ૧૫માંથી ૬ ડેમોમાં હજુ પાણીની આવક ચાલુ રહી છે. ૧૬ ઓક્ટોબરની સ્થિતિએ ચાલુ સાલે કુલ ક્ષમતાના ૩૬.૮૧% જળસંગ્રહ થયું છે. જે ગત વર્ષે ૮૧.૮૫% જળસંગ્રહ થયું હતું. આમ, ગત વર્ષ કરતાં ચાલુ સાલે ૪૫.૦૪% ઓછું જળસંગ્રહ થયું છે. જોકે, ૬ ડેમમાં હજુ પાણીની આવક ચાલુ હોઇ જળ સંગ્રહમાં થોડો વધારો થઇ શકે છે.

ઉત્તર ગુજરાતના ધરોઇ, દાંતીવાડા, લાંક, જવાનપુરા, મેશ્વો અને ગોરઠીયા ડેમમાં પાણીની આવક હજુ ચાલુ છે. આ સાથે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોની કુલ ક્ષમતાના ૩૬.૮૧% સાથે ૭૧,૦૧૯ કરોડ લિટર જળસંગ્રહ થયું છે. નિષ્ણાતના મતે, હજુ દસેક દિવસ ૬ ડેમમાં પાણીની આવક ચાલુ રહેવાની શક્યતા હોઇ થોડું ઘણું જળસંગ્રહ વધી શકે છે.

બીજી બાજુ, ગત વર્ષે ૮૧.૮૫% સાથે ૧,૫૭,૯૦૪ કરોડ લિટર જળસંગ્રહ થયું હતું. આ વર્ષે ૧૬ ઓક્ટોબરની સ્થિતિએ ગત વર્ષ કરતાં ૮૬,૮૮૫ કરોડ લિટર (૪૫.૦૪%) ઓછું જળસંગ્રહ થયું છે. એક્સપર્ટના મત મુજબ, ૧૫ પૈકી માત્ર ૪ જળાશય એવા છે કે, જેમાં ૭૬%થી વધુ જળસંગ્રહ, ૩ જળાશયમાં ૫૧% થી માંડી ૭૫% સુધીનું જળસંગ્રહ થયું છે. જ્યારે ૮ જળાશય એવા છે કે જેમાં ૫૦%થી ઓછું જળસંગ્રહ થયું છે. ઓછા પાણીના આ જથ્થાથી શિયાળાની ઋતુ પૂરી થવા સુધીમાં ૫ ડેમમાં વપરાશલાયક પાણીનો જથ્થો પૂરો થઇ જશે. ઉનાળો શરૂ થતાંની સાથે પાણીની ખેંચ વર્તાશે.