કચ્છમાં હજુ ૨થી ૩ ડિગ્રી પારો નીચે જશે અને ઠંડીનો ચમકારો અનુભવાશે

કચ્છમાં પાછોતરા શિયાળાએ ઠંડીમાં વધઘટ અનુભવાઇ રહી છે. અરબ સાગરના કિનારે કોટેશ્વરમાં સવારથી વાદળો છવાયા હતા. ચોમાસું હોય તેમ કાળા ડિબાંગ વાદળો ચડી આવતાં લોકોને માવઠું થવાની ભીતિએ સતાવ્યા હતા. નીચે સમુદ્રમાં પાણી અને આભમાં વાદળો સાથે નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો.કચ્છમાં પાછી ફરેલી ઠંડીની સપ્તાહની શરૂઆતે પણ હાજરી રહી હતી. ન્યૂનતમ પારો હજુ પણ બેથી ત્રણ ડિગ્રી નીચે જવાની સાથે ઠંડીનો ચમકારો જારી રહેશે તેવી વકી વ્યક્ત કરાઇ છે. દરમિયાન ભુજ અને નલિયામાં ઠંડી આંશિક ઘટી હતી તો કંડલા એરપોર્ટ તેમજ કંડલા બંદરે થોડી વધી હતી. તાપમાનમાં એક આંક વધારો થવા છતાં રાજ્યમાં મોખરે રહેલાં નલિયામાં લઘુતમ ૧૦.૮ ડિગ્રી રહ્યું હતું.

કચ્છ અને રાજ્યમાં બીજા સ્થાને ઠંડા રહેલાં કંડલા એરપોર્ટ મથકે ન્યૂનતમ ૧૧.૪ ડિગ્રી નોંધાયું હતું પરિણામે અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં આંશિક ઠંડી વધી હતી. કંડલા પોર્ટ પર દોઢ આંકના ઘટાડા સાથે નીચું ઉષ્ણતામાન ૧૩ ડિગ્રી રહેવાની સાથે રાત્રે ટાઢોડું અનુભવાયું હતું. જિલ્લા મથક ભુજમાં ન્યૂનતમ આંશિક વધીને ૧૪.૩ ડિગ્રીએ પહોંચ્યું હતું. મહત્તમ ઉષ્ણતામાન ભુજમાં ૨૯.૭, નલિયા ૨૭.૪, કંડલા બંદરે ૨૮.૯ અને કંડલા એરપોર્ટ મથકમાં ૩૦ ડિગ્રી રહેતાં દિવસે શિયાળો ગાયબ જણાયો હતો. મહા મહિનો શરૂ થઇ ગયો છે તેવામાં કચ્છમાં હજુ પણ પારો નીચો જવાની સાથે ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવાઇ છે.