કુલ્લુના મલાણામાં ૧૨ થી ૧૫ ઘરો આગમાં ખાખ

હિમાચલ પ્રદેશ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના કહેવા પ્રમાણે ૧૨થી ૧૫ ઘર સળગીને સંપૂર્ણપણે રાખ થઈ ગયા છે અને એક વ્યક્તિ ઘાયલ થઈ ગઈ છે. પીડિત પરિવારોને રાહત સામગ્રી વિતરિત કરવામાં આવી છે. અગાઉ પણ મલાણા ખાતે આશરે ૧૦૦ ઘરો સળગીને રાખ થઈ ગયા હતા. આગ લાગવાની દુર્ઘટના બાદ જિલ્લા પ્રશાસનની એક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

જોકે હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું પરંતુ નુકસાનનું આકલન હાથ ધરવામાં આવ્યું છે. વિશ્વની સૌથી પ્રાચીન લોકશાહીવાળું મલાણા ગામ બુધવારે સવારના સમયે આગની લપેટમાં આવી ગયું હતું.

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વસેલા આ ગામમાં ૧૨થી ૧૫ મકાનો સળગી ગયા હોવાની અને એક વ્યક્તિ ઘાયલ થઈ હોવાની સૂચના મળી છે. મલાણા પંચાયતના પ્રધાન રાજૂ રામે ભીષણ અગ્નિકાંડમાં ૨૫થી ૩૦ ઘર સળગી ગયા હોવાની માહિતી આપી હતી. બુધવારે સવારે ૩ઃ૩૦ કલાકે ગામમાં આગ ફાટી નીકળવાના કારણે અફરા તફરી મચી ગઈ હતી. અગ્નિની જ્વાળાઓએ ભયાનક સ્વરૂપ ધારણ કરતા અનેક મકાનો તેની લપેટમાં આવી ગયા હતા. આખી રાત મકાનોને આગથી બચાવવાનો પ્રયત્ન ચાલ્યો હતો. આ દુર્ઘટનામાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.