કલોલમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નક્ષત્ર વનના નિર્માણ માટે વૃક્ષારોપણ કર્યું

અમિત શાહે કલોલ તાલુકાના નારદીપુર ગામે “મિશન મિલિયન ટ્રી” અન્વયે નિર્માણાધિન નક્ષત્ર વનમાં વૃક્ષારોપણ અભિયાનમાં ઉપસ્થિત રહી નવ ગ્રહોના સૂચક વૃક્ષોનું આરોપણ કર્યું હતું. તેઓએ નક્ષત્રનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, પ્રત્યેક વ્યક્તિનો જન્મ કોઈ ને કોઈ નક્ષત્રમાં થયેલો હોય છે. આ વ્યક્તિના સ્વભાવમાં રહેલા દોષ માટે જે તે નક્ષત્ર અનુરૂપ વૃક્ષનું વાવેતર જ તેમની સમસ્યાનું સમાધાન હોય છે. તેમજ શાહે ગ્રામજનોના પરિવારમાં પ્રત્યેક વ્યક્તિને એક એક છોડ અર્પણ કરી આ આરોપણ કરેલ છોડની માવજત, જતન અને યોગ્ય ઉછેર થાય તે માટે ઉપસ્થિત સૌને સંકલ્પબદ્ધ કરાવ્યા હતા. તેઓએ કહ્યું કે, આ વનમાં ૪ હજાર જેટલા વૃક્ષો ઉછેરવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ૭૫ જેટલા તળાવો બનાવવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. ક્ષેત્રના સાંસદ તરીકે આવા ૧૦ જેટલા મોટા તળાવોના નવીનીકરણ, બ્યુટીફિકેશન માટેના પ્રયત્નો તેઓ દ્વારા થઈ રહ્યા છે. ત્યારે તેની જાળવણી માટે સૌ સહિયારો પ્રયાસ કરે તેવો અનુરોધ અમિત શાહે કર્યો હતો.ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રિય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતમાં કલોલ તાલુકાના નારદીપુર ગામે નવીન નક્ષત્ર વનના નિર્માણ હેતુ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર, ગુજરાત અને દેશના નાગરિકોને જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ પણ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર લોકસભા સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ અને હરિયાળી લોકસભા બને તે માટે અમિત શાહે અગાઉ પણ કટિબદ્ધતા વ્યક્ત કરી છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં “મિશન મિલિયન ટ્રી” ના માધ્યમથી ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આપણા વેદ ઉપનિષદોમાં ઈશ્વરની કલ્પના જ કુદરતથી કરી છે, પ્રકૃતિથી કરી છે. તેમાં બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પ્રકૃતિનું દોહન કરી શકાય તેનું શોષણ ન કરી શકાય. ગાયના આંચળમાંથી દૂધ એટલું જ નિકાળાય જેટલું હોય, લોહી ન નિકાળાય. કમનસીબે વિકાસની આંધળી દોટમાં અવકાશની અંદર ઓઝોનના પડને આપણે પાતળું કરી નાખ્યું છે. આ ઓઝોન પડ એકમાત્ર એવી વસ્તુ છે જે સૂર્યનારાયણની ગરમીને આપણે સહન કરી શકીએ એટલી કરીને પૃથ્વી પર મોકલે છે.

આજે કાર્બન મોનોકસાઈડ અને કાર્બન ડાયોક્સાઈડને લીધે ઓઝોન લેયર પાતળું થયું અને તેને પરિણામે પૃથ્વીનું તાપમાન વધવા લાગ્યું છે. અમિતભાઈ શાહે ઉમેર્યું કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડને અવકાશમાં ન જવા દેવા, વરસાદ લાવવા માટે, જમીનનું ધોવાણ અટકાવવા, નદીના સંરક્ષણ માટે, વન્યજીવનને – અનેકવિધ પક્ષીઓની પ્રજાતિઓને બચાવવા માટે અને આપણે નીરોગી રહેવું હોય તો વૃક્ષો વાવવા જ પડે. પ્રાણવાયુ આપણને કેવળને કેવળ વૃક્ષોના માધ્યમથી જ યોગ્ય રીતે મળી શકે. આમ તમામ સમસ્યાઓથી બચવા અને જૈવ ચક્રના સંતુલન માટે એક માત્ર રસ્તો એ વૃક્ષારોપણ છે. તેઓએ ભારપૂર્વક કહ્યું કે લાંબુ આયુષ્ય ધરાવતા પીપળો, જાંબુ, વડ જેવા વૃક્ષો વાવીને આપણે આવતી બે થી ત્રણ પેઢીનું ભવિષ્ય સુરક્ષિત અને સુનિશ્ચિત કરી શકીશું. આ પ્રસંગે નારદીપુરમાં જિલ્લા ભાજપા સંગઠનના પદાધિકારીઓ, કલોલ શહેર અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, નગરસેવકો, કાર્યકર્તાઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.