વિકાશીલ ગુજરાતમાં ભુજના નાના રેહા ગામમાં લગભગ ૩ વર્ષથી લોકો ને મળી રહ્યું છે દુષિત પાણી

આમ તો એવું કહેવાય છે કે “જળ છે તો જીવન છે” પણ વિકાશીલ ગુજરાતમાં અજી સુધી અમુક ગામોમાં લોકો ને પીવા માટેજ દુષિત પાણી મળી રહ્યું છે તો પછી જીવન કઈ રીતે સુરક્ષિત રહી શકે. વાત છે ભુજ તાલુકાના નાના રેહા ગામની જ્યાં લગભગ છેલ્લા ૩ વર્ષથી દુષિત પાણી મળતું હોવાના કારણે પારાવાર હાલાકી ભોગવી રહ્યું છે. અંદાજિત ૧૮૦૦ની વસ્તી ધરાવતા ગામના ઘરોમાં એકાંતરે પીવાનું પાણી નળ મારફતે આવે છે, પરંતુ તે દુષિત હોવાથી લોકો બીમારીમાં જીવન જીવી રહ્યા છે. ગામમાં નજીકના બોરવેલમાંથી આવતું પાણી કડવું અને માટીયુક્ત હોવાથી ગ્રામજનોને પાણીના પ્રશ્ને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પૂર્વે પાણી પુરવઠા વિભાગ દ્વારા નજીકના સણોસરા ગામ પાસે નવો બોર બનાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ તે માટે સણોસરા ગ્રામજનો દ્વારા વાંધો લેવામાં આવતા કામ આગળ વધારવામાં આવ્યું નથી. તેથી અન્ય વ્યવસ્થા કરવા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવેલી છે. પરંતુ તેમના દ્વારા માત્ર વાયદાઓ આપવામાં આવે છે.

જો આ જ પરિસ્થિતિ કાયમ રહી તો એક સમયે આખું ગામ પથરી જેવી બીમારીમાં સપડાઈ શકે છે. જેના લીધે વહીવટી તંત્ર હવે તાત્કાલિક પીવાના પાણીની સમસ્યા હલ કરે એ જરૂરી બન્યું છે અવારનવાર રજુઆત કર્યા બાદ પણ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ નિવારણ લાવવામાં આવતું ના હોવાની ગ્રામજનો ફરિયાદ કરી રહ્યા છે. માત્ર વાયદાઓ અને તંત્રની કચેરીએ રૂબરૂ મુલાકાત બાદ નર્મદાનું પાણી બોરના પાણીમાં મિશ્રીત કરી દેવામાં આવે છે, પણ ફરીથી પરિસ્થિતિ રાબેતા મુજબ બની જતા લોકો પીવાના પાણીની કાયમી રામાયણથી પીડા ભોગવી રહ્યા છે.

પીવાના પાણી પ્રશ્ને ગામની રામદેવ શેરીમાં રહેતા વિક્રમ બબુજી જાડેજાએ કહ્યું હતું કે, તંત્ર દ્વારા એકાંતરે પીવાનું પાણી વિતરિત કરવામાં આવે છે, તે પણ દુષિત હોવાથી શારીરિક બીમારીનો ભોગ બનવું પડે છે. મારા મમ્મીને પેટની પથરીનું ત્રણ વખત ઓપરેશન કરાવવું પડ્યું છે. ના છૂટકે ફિલ્ટર પાણીની બોટલો મંગાવવી પડે છે. તો એકાંતરે સાંજના ૬થી ૯ વાગ્યે નળ મારફતે આવતું પાણી મેળવવા મોટર ચાલુ કરવી પડે છે, જેના કારણે વીજ બિલ સહિતનો વધારાનો આર્થિક ખર્ચ ભોગવવો પડી રહ્યો છે. નાના રેહા ગામના અન્ય રહેવાસી વિક્રમ ખેતુભા જાડેજાએ જણાવ્યું હતું કે, ખેત મજૂરી અને છૂટક શ્રમ કાર્ય કરતા ૮૦ ટકા ગ્રામજનો શુદ્ધ પાણી મંગાવી શકતા નથી. તેથી દુષિત પાણીનો ઉપયોગ કરવો પડે છે, જેના કારણે માથાનો અને પેટનો કાયમી દુખાવો સહન કરવો પડે છે. લોકોને શરીરમાં સુસ્તી રહેતા શ્રમકાર્ય કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે. આયુર્વેદિક અને એલોપેથી ગોળીઓ ગળવી પડે છે.