ફ્લેટના પાર્કિંગમાં પાર્ક કરેલી ૧ કારમાં આગ લાગતા, બાજુમાં પાર્ક કરેલા ૨ દ્વિચક્રી વાહનો પણ બળીને ખાખ

નડિયાદમાં રહેણાંક વિસ્તાર માં એક ફ્લેટના પાર્કિગમાં પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગતા આજુબાજુ રેહતા લોકો માં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. એક કાર માં લાગેલી આગની લપેટમાં અન્ય બે વાહનો પણ આવી જતાં આ ત્રણેય વાહનો બળીને ખાખ થઇ ગયા હતા. બનાવની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં તુરંત ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી જઈ કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. પાણીનો છંટકાવ કરી આ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. તો આ બનાવમાં એક કાર અને બે દ્વિચક્રી વાહનો મળી કુલ ત્રણ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.

આગ કેવી રીતે લાગી તે બાબતે રહસ્ય અકબંધ રહ્યું છે. નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રેલવે સ્ટેશન પાછળ આવેલા ગંગાવીહાર ફ્લેટના પાર્કિગ એરીયામાં બુધવારની રાત્રે એક આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. અહીંયા આવેલા પાર્કિગમાં પાર્ક થયેલી કારમાં એકાએક આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી. જોત જોતાએ આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બાજુમાં પાર્ક કરેલ અન્ય બે દ્વિચક્રી વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા.