ઓઢવ જીઆઈડીસીમાં ગેરકાયદે ગટર જોડાણો કપાયા પરંતુ પ્રદુષણની સમસ્યા યથાવત

ઓઢવ જીઆઇડીસીમાં રોડ નંબર ૧૫ ઉપર છેલ્લા કેટલાક દિવસથી અવાર-નવાર કેમિકલના પાણી ગટરમાંથી બહાર નીકળી રહ્યા છે અને રોડ પર રેલાઇ રહ્યા છે. જેના કારણે રાહદારીઓ, વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાઇકોર્ટના આદેશ બાદ મ્યુનિ.તંત્ર દ્વારા ગેરકાયદે ગટર જોડાણો કાપવાની કામગીરી હાથ ધરાઇ છે. તેમાં પૂર્વ અમદાવાદમાં ઘણા બધા વિસ્તારોમાં ડોમેસ્ટીક અને કોમર્શિયલ ગટર લાઇનો કે જે ગેરકાયદે છે તેના જોડાણ કાપી નંખાયા છે.

ઓઢવ જીઆઇડીસી અને તેની આજુબાજુના વિસ્તારોમાં આવી રીતે ગેરકાયદે ગટર જોડાણો કાપી નંખાયા છે. જેના કારણે ઓઢવ જીઆઇડીસીમાં રોડ નંબર ૧૫ ઉપર ગટરો ઉભરાવાની સમસ્યા વધી છે. જેમાંથી અવાર-નવાર કેમિકલયુક્ત , કલરવાળા પાણી પણ ઉભરાઇને બહાર રોડ પર આવી જાય છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ દર ચોમાસામાં ગટરો ઉભરાવી, કેમિકલવાળા પાણી બહાર આવવા સામાન્ય બાબત છે, ઢીંચણસમા પાણી ભરાવાની સાથે આખો વિસ્તાર બેટમાં ફેરવાઇ જાય છે. વરસાદ બંધ થાય, ગટરના પાણી ઓસરે પછી સ્થિતિ થાળે પડતી હોય છે.

ગટરો ઉભરાવાની આ કાયમી સમસ્યાનો અંત લાવવામાં આવે તેવું રહીશો ઇચ્છી રહ્યા છે. ઓઢવ  ફાયરબ્રિગેડની સામેના રોડ પર, પેટ્રોલપંપ પાસે ગટર કાયમી ધોરણે ઉભરાય છે. સ્થાનિક કોર્પોરેટર અને અધિકારીઓ પણ આ સમસ્યાનો ઉકેલ લાવવા મથી રહ્યા છે પરંતુ ગટર બેક મારવાની સમસ્યા હજુ ઉકેલ પામતી નથી. બાજુમાં ખારીકટ કેનાલ હોવી અને ફાયરબ્રિગડવાળો આખો રસ્તો નીચાણવાળા વિસ્તારમાં હોવાથી આ સમસ્યા જટીલ હોવાનું રહીશો માની રહ્યા છે. જોકે વરસાદી-ગટરના પાણી ખેંચવા માટે બાજુમાં જ પંમ્પિંગ સ્ટેશન બનાવાયું છે તેમ છતાંય આ સમસ્યા હજુ યથાવત છે.