હર્ષ સંઘવીની દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં તંત્રની કામગીરી પર સીધી નજર

બિપરજોય વાવાઝોડાને લઈ તંત્રએ તમામ સજ્જતા કરી લીધી છે. રાજ્ય સરકારના પ્રધાનો દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાવાઝોડાને લઈ તમામ તૈયારીઓને રુબરુ પહોંચીને કરાવી રહ્યા છે. સતત જિલ્લાની સ્થિતી પર નજર રાખવામાં આવી રહી છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક તંત્રની સજ્જતાને લઈ રુબરુ નજર રાખી રહ્યા છે.

વાવાઝોડાની અસરની તમામ સ્થિતી પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. દ્વારકા ખાતે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રુપાલા અને હર્ષ સંઘવી સહિત જિલ્લાના અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન સ્થિતીની સમીક્ષા કરવા સાથે અંતિમ તબક્કાની તૈયારીઓને લઈ રુપરેખા તૈયાર કરી હતી. જે પ્રમાણે મંગળવાર અને બુધવારે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે.

હર્ષ સંઘવીએ કહ્યુ હતુ કે, દરિયાઈ કાંઠાથી આવતા ૫ કિલોમીટર સુધીના અંતરના ૩૮ ગામડાઓ અને ૧૦ કિલોમીટર સુધીના વિસ્તારના ૪૪ ગામડાઓના નિચાણવાળા ઝૂંપડા, કાચા મકાનો મળીને ૪૦૦૦ મકાનોના પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આ માટે ગઈ રાત્રી સુધી આ અંગેની કામગીરી કરી હતી. સાવચેતી રાખવા માટેની અપિલ સતત કરવામાં આવી છે. દ્વારકા જીલ્લામાં ૨ એનડીઆરએફની અને ૨ એસડીઆરએઉની ટીમ રાખવામાં આવી છે.