દરેડ જીઆઈડીસીમાં માર્ગો પર કેમિકલયુક્ત પાણીને લઇને જીપીસીબીનું નિરીક્ષણ, શું છે જીપીસીબીનો ખુલાસો..
જામનગરની દરેડ જીઆઈડીસીમાં માર્ગો પર કેમિકલયુક્ત પાણી ભરાયા હોવાના સમાચાર તાજેતરમાં મીડિયામાં પ્રસારિત થયા હતા. જેમાં કારખાનાઓના ગંદા પાણીને ટ્રીટ કરી ઔદ્યોગિક નિકાલ કરવાની અમલવારીને લઇને જીપીસીબી સામે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. આ મીડિયા અહેવાલમાં દરેડ જીઆઈડીસી ફેઝ-1 અને 2ના વિસ્તારોમાં માર્ગો પર કારખાનાના કેમિકલવાળા પાણીના ભરાયા હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ઉપરાંત, ગોકુલનગર અને તેની આસપાસના વિસ્તારોમાં બોરમાંથી કેમિકલયુક્ત પાણીની ફરિયાદો મળી રહી હોવાની અને રંગમતી નદીમાં ઔદ્યોગિક પ્રદૂષણની વિગતો પણ મીડિયા અહેવાલમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
જામનગરની દરેડ જીઆઈડીસીના ફેઝ-1 અને 2માં થઇ રહેલ પ્રદૂષણ પર્યાવરણીય રીતે ચિંતાજનક તો છે જ તેની સાથે સ્થાનિકોના આરોગ્યને લઇને પણ ગંભીર કહી શકાય. તેથી જ પર્યાવરણ ટુડેના સ્થાપક તંત્રી આદિત્યસિંહ ચૌહાને આ વિશે વિગતવાર માહિતી મેળવવા માટે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી સાથે સંપર્ક કર્યો હતો. જે બાદ જીપીસીબીના પ્રાદેશિક દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે મીડિયામાં પ્રસારિત અહેવાલ કે જેમાં દરેક જીઆઈડીસી ફેઝ-1 અને 2ના માર્ગો પર કેમિકલયુક્ત ગંદા પાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેમાં ચોક્કસ જગ્યા કે વિગત દર્શાવવામાં આવી ન હતી. તેથી કોઇ પણ કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીના ભરાવાની તપાસ માટે દરેક જીઆઈડીસીના દરેક માર્ગો પર ઇન્સપેક્શન કરવામાં આવ્યું હતુ. જ્યાં તપાસ દરમિયાન કોઈણ જગ્યાએ કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જોવા મળ્યું ન હતુ. આ વિશે આસપાસમાં રહેતા લોકોને પણ પૂછવામાં આવતા તેઓ એ પણ આવી કોઇ જગ્યા ધ્યાનમાં ન હોવાનું જમાવ્યું હતું. જોકે, દરેડ નજીક કાનસુમરા પાસે આવેલા હરિઓમ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં જોવા મળ્યું હતુ કે ઘરેલૂ સીવેજ મેનહોલથી ડોમેસ્ટિક વેસ્ટવોટર ઓવરફ્લો થઇ રહ્યું હતુ.
આ ઉપરાંત, ઔદ્યોગિક પ્રદૂષિણ પાણીનો નિકાલ ભેદી રીતે ગટર જોડાણ થકી કરવામાં આવી રહ્યાં હોવાની બાબતે જીપીસીબીએ જણાવ્યું કે આ પ્રકારની બાબતોને લઇ અમે સમયાંતરે ચોકિંગ કરતા હોઇએ છીએ અને જો કોઈ ગેરકાયદેસર જોડાણ મળે તો તે એકમ સામે દંડનીય કાર્યવાહી અથવા ક્લોઝર નોટિસ ફટકારવામાં આવે છે. રંગમતી નદીમાં થતા ઔદ્યોગિક પ્રદૂષણ બાબતે તેમણે જણાવ્યું કે સમયાંતરે જીપીસીબી દ્વારા સેમ્પલિંગ કરવામાં આવે છે. ગોકુલનગર અને આસપાસના વિસ્તારોમાં બોરવેલમાંથી નીકળતા કેમિકલયુક્ત પાણીની ફરિયાદ બાબતે તેમણે જણાવ્યું કે આ પ્રકારની કોઇ ફરિયાદ અમારા સુધી આવી નથી.
દરેડ જીઆઈડીસીમાં ઔદ્યોગિક પ્રદૂષણને લઇને જે અહેવાલો છે તેને અવગણી શકાય નહીં, તેથી જ અહીં ઔદ્યોગિક પ્રદૂષિત પાણીના નિકાલની કડકપણે અમલવારી કરાવવી જોઇએ.










