Rasam Pradushit Kachro

બાવળાના રાશમ ગામની સીમમાં જોખમી કાર્બનિક કચરાના નિકાલના ગેરકાયદેસર કૃત્ય સામે જીપીસીબીએ નોંધાવી ફરિયાદ

બાવળાઃ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રાશમ ગામમાં જોખમી પ્રદૂષિત કચરાનો ગેરકાયદેસર નિકાલ કરી પર્યાવરણને નુક્શાનકર્તા ગંભીર કૃત્ય કરાયું હોવાની બનાવ સામે આવેયો છે. જેની સામે અમદાવાદ ગ્રામ્ય ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ફરિયાદ નોંધાવામાં આવી છે.

મળતી વિગતો પ્રમાણે ગત તારીખ 19 જુલાઇના રોજના બાવળા પોલીસ ઇન્સપેક્ટર દ્વારા બાવળા તાલુકાના રાશમ ગામની સીમમાં આવેલી જગ્યામાં બિન-અધિકૃત રીતે જોખમી કચરો પડ્યો હોવાની જીપીસીબીના પ્રાદેશિક અધિકારી સી.એ. શાહને ટેલિફોનીક જાણ કરવામાં આવી હતી. જે બાદ બાવળા પોલીસને સાથે રાખી બાસીદ અલી ઇંટોના ભઠ્ઠાની જગ્યા પર તપાસ કરતા અંદાજે 70 જેટલા 200 લિટર કેપેસિટીની ડ્રમ્સમાં અને જમીન પર ઢોળાયેલી સ્થિતિમાં કાર્બનીક જોખમી કચરો જોવા મળ્યો હતો. આ ઉપરાંત, સોલિડ જોખમી કચરો 1 ટનની કેપેસિટીની 15 જેટલી થેલીઓમાં પણ જોવા મળ્યો હતો અને સદર જમીનમાં ત્રણ-ચાર ખાડાઓમાં લિક્વિડ જે ડ્રમમાંથી ઢોળાયેલું હોવનું જણાઇ આવ્યું હતુ. જેથી અધિકારી દ્વારા સદર જગ્યાએ જોવા મળેલ જોખમી કચરાના જુદી-જુદી જગ્યાએથી બે નમૂના અને ખાડામાં રહેલા ગંદા પાણીના નમૂના પૃથક્કરણ માટે એકત્રિત કરવામાં આવ્યા હતા.

નિયમોનુસાર જોખમી કચરાનો નિકાલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત એજન્સી પાસે કરાવવાનો રહેતો હોય છે. પરંતુ, આ પ્રોસેસમાં થતો ખર્ચ બચાવવા માટે પર્યાવરણને ગંભીર રીતે નુક્શાન પહોંચે તે રીતે કૃત્ય કરવામાં આવતા હોય છે.

જેથી આવા ગંભીર કૃત્ય સામે અમદાવાદ ગ્રામ્ય જીપીસીબી દ્વારા આરોપીઓ ટ્રક નંબર જીજે 24 યુ 3849ના ડ્રાઇવર પાટણમાં રહેતા રમણજી સજાજી ઠાકોર, ક્લીનર મુમન ઇર્શાદ ઇદરીશ સુલીયા અને મનુજી જયંતીજી ઠાકોર તથા આ કાર્યમાં સંડોવાયેલા અન્યો સામે પર્યાવરણ સુરક્ષા ધારા 15(1) મુજબ બાવળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ કાર્યમાં અમદાવાદ ગ્રામ્ય જીપીસીબીના અધિકારી ડૉ. પ્રદીપ એસ. દવે અને મદદનીશ પર્યાવરણ ઇજનેર સારાબેન મહંમદસારીક સૈયદે સફળત્તમ કામગીરી બજાવી હતી.