સંભવિત વાવાઝોડાને જોતા સરકારે સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવાનો આદેશ

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એલર્ટ અનુસાર, ઉત્તર આંદામાન સમુદ્ર અને દક્ષિણ અંદમાન સમુદ્ર અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા બન્યો છે.તે ૨૨ ઓક્ટોબરની આસપાસ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે. તે ૨૩ ઓક્ટોબરે બંગાળની ખાડીમાં પહોંચવાની સંભાવના છે. આ લો પ્રેશર એરિયા ધીમે ધીમે ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે. આઇએમડીએ જણાવ્યું હતું કે, “ત્યારબાદ, તે ૨૫ ઓક્ટોબરના રોજ ઉત્તરપૂર્વ તરફ આગળ વધે અને પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશના દરિયાકાંઠાની નજીક પહોંચે તેવી સંભાવના છે.

એક રાહતની વાત એ છે કે આઇએમડીએ ચક્રવાતને કારણે ભારે વરસાદ અને પવનની ગતિ અંગે હજી સુધી કોઈ આગાહી જારી કરી નથી. આ ચક્રવતનું નામ સિતરંગ રાખવામાં આવ્યું છે. છ હવામાન કેન્દ્રોનું જૂથ આરએસએમસી અને પાંચ પ્રાદેશિક ઉષ્ણકટિબંધીય ચક્રવાત ચેતવણી કેન્દ્રોના જૂથ ટીસીડબ્લ્યુસીએ સંયુક્ત રીતે ચક્રવાતનું નામ આપ્યું છે. આ પેનલ ૧૩ સભ્ય દેશોને આવરી લે છે. આ પેનલ ચક્રવાતને લગતી સલાહ જારી કરે છે. જેમાં ભારત, બાંગ્લાદેશ, ઈરાન, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઈલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત અને યમનનો સમાવેશ થાય છે. આ ચક્રવાતી તોફાનનું નામ સિતરંગ થાઇલેન્ડે સૂચવ્યું છે.વરસાદની આગાહી ૨૪-૨૫ ઓક્ટોબરે ઓડિશામાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ પશ્ચિમ બંગાળમાં ૨૪-૨૫ ઓક્ટોબરે ભારે વરસાદ પડી શકે છે.

૨૬ ઓક્ટોબરે છૂટાછવાયા સ્થળોએ પણ અતિ ભારે વરસાદની સંભાવના છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ આવો જ વરસાદ થવાની સંભાવના છે. ચક્રવાત પહેલા ઓડિશા સરકારે ચક્રવાતની સંભાવના ધરાવતા જિલ્લાઓના વરિષ્ઠ અધિકારીઓને એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે. સંભવિત વાવાઝોડાને જોતા સરકારે સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવાનો આદેશ આપ્યો છે. સ્થિતિને જોતા ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પ્રશાસને ૨૨ ઓક્ટોબરથી માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી છે. તેમજ ૨૨ ઓક્ટોબરથી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ ૪૫ થી ૬૫ કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.