આબોહવા પરિવર્તનના પડકારનો સામનો કરવા માટે સરકારે કાર્ય યોજના બનાવી

નવી દિલ્હી: કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન ભૂપેન્દ્ર યાદવે ગુરૂવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકાર આબોહવા પરિવર્તનના પડકારનો સામનો કરવા ગંભીર છે અને તેના માટે રાષ્ટ્રીય કાર્ય યોજના તૈયાર કરવામાં આવી છે.

ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન એક પૂરક પ્રશ્નના જવાબમાં મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું હતું કે વિશ્વના તમામ દેશો પોતપોતાની રીતે ક્લાઈમેટ ચેન્જના પડકારનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. દુબઈમાં COP 28 કોન્ફરન્સની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ભારતમાં રિન્યુએબલ એનર્જીનો હિસ્સો વધારીને 40 ટકા કરવાનો લક્ષ્યાંક નવ વર્ષ પહેલા હાંસલ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે ગ્રીન એરિયાનો લક્ષ્યાંક પણ હાંસલ કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે વધતી જતી માનવ ગતિવિધિઓને કારણે પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થવાની સંભાવના છે. તેથી આ દિશામાં સતત પ્રયાસો કરવાની જરૂર છે. સરકારના પ્રયાસોને કારણે પડતર, બંજર અને બિનઉપયોગી જમીન પર વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. આ માટે સ્થાનિક સામાજિક સંસ્થાઓ અને એનજીઓની મદદ પણ લેવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે વૃક્ષારોપણમાં સ્થાનિક વૃક્ષોની પ્રજાતિઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ માટે અલગ નર્સરી પણ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે સરકાર વનીકરણ કૃષિ તરફ આગળ વધી રહી છે અને તેના માટે વિશેષ સહાય આપવામાં આવી છે.

મંત્રી ભૂપેન્દ્ર યાદવે અન્ય એક પૂરક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. જોકે, ઘણી જગ્યાએ તેનો ગેરકાયદે ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે પ્લાસ્ટિક બનાવવામાં ઉપયોગમાં લેવાતા કાચા માલનું ઉત્પાદન કરતી કંપનીઓને તેમના સપ્લાય વિશે સંપૂર્ણ માહિતી આપવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવા માટે સમાજ, સરકાર અને એનજીઓએ સાથે આવવું પડશે.