કતારગામની નવી જીઆઈડીસીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ સમયે ધડાકો થતાં ચાર લોકો દાઝ્યા

સુરતઃ સુરતના કતારગામની નવી જીઆઈડીસીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ સમયે ધડાકો થતાં ચાર લોકો દાઝ્યા હતા. મુન્ના પટેલ નામના શખ્શ દ્વારા ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતું હતું. વિસ્ફોટ અત્યંત પ્રચંડ હતો જેમાં એકની હાલત ગંભીર છે. કતારગામમાં ગેરકાયદેસર રિફિલિંગ દરમિયાન અચાનક સિલિન્ડરમાં ઘડાકા બાદ આગ લાગતા  ચાર વ્યક્તિઓ દાઝી ગયા હતા. આ તમામ પૈકી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતુ. ચારેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કારણે ગંભીર અકસ્માતો થવાના બનાવો અગાઉ સામે આવ્યા છે. સોમવારે વધુ એક બનાવ બન્યો છે. અમરોલી વિસ્તારમાં રહેતા અને કતારગામ વિસ્તારમાં નવી જીઆઈડીસી પાસે ૩૫ વર્ષિય મુન્ના વિનોદભાઈ પટેલ ગેસ રિફિલિંગનો વેપલો ચલાવતો હતો. સોમવારે સવારે મુન્ના અને તેના સાઢુભાઈનો  ૧૫ વર્ષિય ઓમપ્રકાશ દીકરો સુધીર પટેલ દુકાનમાં ગેસ રિફિલિંગ કરતા હતા. કતારગામ જીઆઇડીસી વિસ્તારમાં રહેતો ૨૩ વર્ષીય છોટુ દામોદર મહંતો અને ૧૮ વર્ષિય વરુ બેરૂનસિંગ જાટવ ગેસની બોટલમાં રિફિલિંગ કરાવવા માટે આવ્યા હતા. ગેસની બોટલમાં રિફિલિંગ થઈ ગયા બાદ ટેસ્ટિંગની કામગીરી ચાલુ હતી ત્યારે અચાનક જ ઘડાકા બાદ આગ લાગી હતી. જેના કારણે આ ચારેય વ્યક્તિઓ શરીરને ગંભીર રીતે દાઝી ગયા હતા.

બનાવને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક ઇમરજન્સી ૧૦૮ને જાણ કરી ચારેયને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ચારેયની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ધડાકો થતા ગેસ રિફિલિંગના શેડના પતરાઓ પણ ઉડી ગયા હતા. ગેરકાયદેસર ગેસ રિફિલિંગને લઈને પોલીસ દ્રારા તપાસ શરૂ કરવામાં આવી છે.