તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં આગઃ ૧૧ના મોત,૧૪ ઘાયલ

વડાપ્રધાન મોદી-રાહુલ ગાંધી સહિતનાઓએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય સહાયતા કોષ દ્વારા ૨-૨ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી

તમિલનાડુના વિરુધનગરમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં શુક્રવારના આગ લાગવાથી ૧૧ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે ૧૪ લોકોના ઘાયલ થયાના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે વિરુધનગર સ્થિતિ આ ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થયો. વિસ્ફોટ બાદ આગ લાગી અને જ્યાં સુધી કોઈ વિચારે આગ ફેલાઈ ચુકી હતી. ઘટનાની જાણકારી મળતા જ ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ પહોંચી ગઈ અને આગ ઓલવવાનું કામ શરૂ કરી ચુકી છે.

ઘટનાસ્થળ પર રહેલા પોલીસ અધિકારીઓએ વિસ્ફોટ વિશે જાણકારી આપતા જણાવ્યું કે, આ અકસ્માત એ સમયે થયો જ્યારે ફટાકડાને તૈયાર કરવા માટે કેટલાક કેમિકલ્સ મેળવવામાં આવી રહ્યા હતા. ફાયર બ્રિગેડના કર્મચારીઓ તરફથી મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં અત્યાર સુધી ૧૧ લોકોના મોત થયા છે અને ૧૪થી વધારે લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે.

તેમણે ટ્‌વીટ કરતા લખ્યું છે કે, ‘તમિલનાડુના વિરુધનગરમાં સ્થિત એક ફટાકડા ફેક્ટરીમાં લાગેલી આગની ઘટના દુઃખદ છે. દુઃખની આ ક્ષણોમાં મારી સંવેદનાઓ પીડિત પરિવારની સાથે છે. આશા કરું છું કે જે પણ ઘાયલ થયા છે તેઓ જલદી ઠીક થઈ જાય. આ ઘટનાથી પ્રભાવિત થયેલા લોકોને મદદ માટે તંત્ર કામ કરી રહ્યું છે.’ પીએમઓએ જણાવ્યું કે, પીએમએનઆરએફથી તમિલનાડુના વિરુધનગરમાં જીવ ગુમાવનારાઓના નજીકના પરિવારજનોને ૨-૨ લાખ રૂપિયા વળતરની સ્વીકૃતિ મળી છે. ગંભીર રીતે ઘાયલ લોકોને ૫૦ હજાર રૂપિયા આપવામાં આવશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ બાબત ઉપર શોક વ્યક્ત કર્યો હતો અને લખ્યું હતું કે, તમિલનાડુના વિરુધુનગર્માં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના અત્યંત દુઃખદ છે. તેમા મૃત્યુ પામેલ અને ઘાયલ થયેલ લોકોના પરિવાર સાથે મારી સંવેદના છે. જે લોકો ફેક્ટરીમાં ફસાયેલા છે તેના વિશે વિચારીને પણ ક્મકમાટી છૂટી જાય છે. હું રાજ્ય સરકારો અને અપીલ કરું છું કે, તેઓ તાત્કાલિક પિડિતોને સહાયતા અને રાહત પ્રદાન કરવાનું કાર્ય કરે.

આ પહેલા ગત ઓક્ટોબરમાં મદુરાઈની એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. તેમાં ત્રણ મહિલા સહિત પાંચ લોકોના મોત થયા હતા. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું હતું કે કેમિકલ મિક્સ કરતી વખતે ઘર્ષણના કારણે આગ લાગી હતી, જેના કારણે સિલસિલાબંધ બ્લાસ્ટ થયા હતા.