સુરતમાં અમરોલી બ્રિજ ઉપર મારૂતિ વાનમાં આગ, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ

સુરત શહેરના અમરોલી બ્રિજ ઉપર આજે સવારે એક દોડતી મારૂતિ વાન અચાનક સળગી ઉઠતા વાહન ચાલકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે, વાન ચાલકે ખૂબ જ હોશિયારીથી બર્નિગ વાનને રોજ બાજુએ પાર્ક કરી બહાર નીકળી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયરના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આગને કાબૂમાં લેતા રાહદારીઓએ રાહતનો દમ લીધો હતો. બર્નિંગ વાનને જોવા લોકોના ટોળા ભેગા થઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો.

રવિ વસોયા (ફાયરને જાણ કરનાર)એ જણાવ્યું હતું કે, હું તો રત્નકલાકાર છું બાઇક પર નોકરીએ જતો હતો. અચાનક બ્રિજ પર લોકોની ભીડ વચ્ચે એક કારને સળગતી જોઈ એટલે તાત્કાલિક ફાયરને જાણ કરી કામે ચાલી ગયો હતો. બર્નિંગ કારને જોવા લોકોએ ભીડ જમાવી હતી. જેને લઈ ફાયરની ગાડીને પણ આવતા મોડું થયું હતું. કરશનભાઇ ભગવાનભાઈ પટેલ (કાર માલિક)એ જણાવ્યું હતું કે અચાનક બ્રિજ પર દોડતી મારૂતિ વાનના એન્જિનમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થઈ ગયું હતું. હું મારો મિત્ર આશ્ચર્યમાં પડી ગયા હતાં.

કંઈક સમજ પડે એ પહેલાં એન્જિનમાંથી આગની જ્વાળાઓ બહાર નીકળતા જોઈ તત્કાલિક બર્નિંગ કારને રોડ બાજુએ લઈ જઈ બન્ને બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં ફાયરની ગાડીઓ આવી જતા આગને કાબૂમાં લઈ લીધી હતી. અમે ડાયમંડ કંપનીમાં કામ કરીએ છીએ અને નોકરી પર જતાં વાનમાં આગ લાગી હતી. જેથી વાન બળીને ખાખ થઈ ગઈ હતી.